ખેલ-જગત
News of Friday, 6th December 2019

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાતી ટી૨૦ અને વન-ડે શ્રેણીમાં હવે નો બોલ અંગેનો નિર્ણય ટીવી અમ્પાયર લેશેઃ મહત્વપૂર્ણ ફેરફાર

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ટી-20 અને વન-ડે શ્રેણીમાં હવે નો બોલ અંગેનો નિર્ણય ટીવી અમ્પાયર લેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ આ વાતની પુષ્ટિ કરી છે. આ શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાવાની છે.

આઈપીએલમાં પણ થશે પ્રયોગ

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સંયુક્ત સચિવ જયેશ જ્યોર્જે આ માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે, "આ અંગે વાટાઘાટો ચાલી રહી છે. આઈપીએલ હંમેશાં પ્રયોગો માટે જ રહ્યું છે અને અમારો પ્રયાસ રહેશે કે તેની દરેક સીઝનમાં કોઈ નવી ટેક્નીક આવે. જેના કારણે રમતને આગળ લઈ જવામાં મદદ મળે."

અગાઉ પણ વિવાદિત મુદ્દો રહ્યો છે

જયેશે જણાવ્યું કે, "ભૂતકાળમાં અણે જોયું છે કે, પગનો નો બોલ એક મુદ્દો રહ્યો છે. મારું માનવું છે કે, આ ટેક્નોલોજીથી તેના અંગે સાચો નિર્ણય લઈ શકાશે. આથી તેનો ઉપયોગકરવો જોઈએ. તેના અંગે પાંચ સ્તરની તપાસ કરવામાં આવશે અને અમે વેસ્ટ ઈન્ડીઝ શ્રેણીમાં પણ તેને લાગુ કરીશું."

થર્ડ અમ્પાયર ફીલ્ડ અમ્પાયરને માહિતી આપશે

આઈસીસીના અનુસાર, ટ્રાયલ દરમિયાન ત્રીજા અમ્પાયરની નજરો પગના નો બોલ પર રહેશે. જો થર્ડ અમ્પાયરને લાગે છે કે, આ નો બોલ હતો તો તે મેદાન પર રહેલા અમ્પાયરને તેની માહિતી આપશે. મેદાન પર રહેલો અમ્પાયર ઔપચારિક નિર્ણય સંભળાવશે.

નિર્ણય લેવામાં મોડું થઈ શકે

શંકાની સ્થિતિમાં ફાયદો બોલરને તશે. જો નો બોલ અંગેનો નિર્ણય મોડેથી સંભળાવામાં આવે તો મેદાન પર રહેલો અમ્પાયર વિકેટને કેન્સલ કરશે અથવા તો બોલ ને નો બોલ જાહેર કરશે.

(11:23 pm IST)