ખેલ-જગત
News of Thursday, 6th December 2018

લુકા મોડ્રીકને મળ્યો વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરનો એવૉર્ડ

નવી દિલ્હી: ક્રોએશિયાને ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ અપાવનારા લુકા મોડ્રીકને ચાલુ વર્ષે વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલર તરીકેનો પ્રતિષ્ઠિત 'બાલોન ડી'ઓર' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે ૩૩ વર્ષના મોડ્રીકે ફૂટબોલના આ પ્રતિષ્ઠિત એવોર્ડ પર છેલ્લા દસ વર્ષથી રોનાલ્ડો અને મેસીના દબદબાનો અંત આણી દીધો હતો. સ્પેનિશ ફૂટબોલ કલબ રિયલ મેડ્રીડ તરફથી રમતાં ક્રોએશિયન સ્ટારને 'બાલોન ડી'ઓર' એવોર્ડ માટે સૌથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે યૂવેન્ટસમાં જોડાયેલો પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો બીજા ક્રમે રહ્યો હતો. વોટિંગના આધારે મેસીને હાલના ફૂટબોલ જગતનો પાંચમા ક્રમનો ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. પેરિસમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ સેરેમનીમાં એવોર્ડ જીતવાથી વંચિત રહેલા રોનાલ્ડો અને મેસીમાંથી કોઈ હાજર રહ્યું નહતુ. મેસીએ તો તેના બાળકો સાથે હળવી પળો માણતો હોય તેવો ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં શેયર કર્યો હતો. મોડ્રીકને ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જ ફિફા પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. છેલ્લે ૨૦૦૭માં બ્રાઝિલિયન ફૂટબોલ કાકાએ આ એવોર્ડ જીત્યો હતો. જે પછી સતત ૧૦ વર્ષ સુધી મેસી કે રોનાલ્ડોનો આ એવોર્ડ પર કબજો રહ્યો હતો. જોકે મોડ્રીકે  સિલસિલનો તોડી નાંખ્યો હતો. 

(5:06 pm IST)