ખેલ-જગત
News of Friday, 6th September 2019

પોતાની ગુગલીથી દુનિયાભરના બેટ્સમેનને નચાવનાર અફઘાનિસ્‍તાનના રાશિદ ખાનના નામે વધુ એક રેકોર્ડઃ સૌથી નાની વયનો કેપ્ટન બન્યો

ચટગાંવઃ પોતાની ગુગલીથી દુનિયાભરના બેટ્સમેનને નચાવનારા રાશિદ ખાને પોતાના નામે વધુ એક રેકોર્ડ કરી લીધો છે. તે હવે દુનિયાનો સૌથી નાની વયનો કેપ્ટન બન્યો છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ રમવા માટે જ્યારે અફઘાનિસ્તાનની ટીમે મેદાન પર ઉતરી ત્યારે તેણે આ રેકોર્ડ નોંધાવ્યો છે. અફઘાન સ્ટાર રાશિદ ખાને ટેસ્ટ કેપ્ટન તરીકેનો પોતાનો પ્રથમ ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

અફઘાનિસ્તાનની ટીમ આજકાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. બંને ટીમ વચ્ચે ગુરૂવારે ટેસ્ટ મેચ શરૂ થઈ છે. અફઘાનિસ્તાનની આ ત્રીજી ટેસ્ટ મેચ છે. આ અગાઉ તેણે ભારત અને આયર્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી છે. ભારત સામેની પોતાની પ્રથમ ટેસ્ટમાં અફઘાનિસ્તાનને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

પોતાની બીજી ટેસ્ટમાં અફઘાનિસ્તાને આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચ દહેરાદૂનમાં રમાઈ હતી.

રાશિદ ખાનથી પહેલા સૌથી નાની વયે ટેસ્ટ ટીમમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના તતેંદા તાયબુ (Tatenda Taibu)ના નામે હતો. તેણે વર્ષ 2004માં શ્રીલંકા સામે કેપ્ટનશીપ કરી હતી. એ સમયે તેની ઉંમર 20 વર્ષ 358 દિવસ હતી. રાશિદ ખાને અત્યંત નાના અંતરથી તાયબુનો રેકોર્ડ તોડ્યો છે. ગુરૂવારે 5 સપ્ટેમ્બરના રોજ રાશિદ ખાનની વય 20 વર્ષ 350 દિવસ હતી.

સૌથી નાની વયે ટેસ્ટ ટીમમાં કેપ્ટનશીપ કરવામાં ભારતીય રેકોર્ડ નવાબ પટૌડીના નામે છે. મંસૂર અલી ખાન પટોડીએ 1962માં વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટમાં આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. નવાબ પટૌડી જ્યારે કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની વય 21 વર્ષ 77 દિવસ હતી.

(5:19 pm IST)