ખેલ-જગત
News of Monday, 6th July 2020

કોન્ફિલકટ ઓફ ઇન્ટરેસ્ટના વિવાદમાં ફસાયો વિરાટ કોહલી

સંજીવ ગુપ્તાએ બીસીસીઆઇના એથિકસ ઓફીસર ડી.કે. જૈનને કરી ફરીયાદ

નવી દિલ્હી, તા. ૬ : ભારતીય ક્રિકેટ બોર્ડનું સંવિધાન બનાવતી વખતે લોઢા કમિટીએ કોન્ફિલકટ ઓફ ઇન્ટરેસ્ટના વિષયને ઘણો ગંભીર અને મહત્વનો ગણાવ્યો હતો. અત્યાર સુધી આ કોન્ફિલકટ ઓફ ઇન્ટરેસ્ટની માયાજાળમાં અનેક ભારતીય ક્રિકેટરો ફસાઇ ચૂકયા છે અને હવે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એમાં ફસાયો છે. વાસ્તવમાં વિરાટ કોહલીએ બીસીસીઆઇના સંવિધાનમાં જણાવવામાં આવેલા કોન્ફિલકટ ઓફ ઇન્ટરેસ્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની ફરીયાદ સંજીવ ગુપ્તાએ ભારતીય ક્રિકેટ બોર્ડના એથિકસ ઓફીસર ડી.કે. જૈનને એક ઇ-મેઇલ દ્વારા કરી છે. આ ઇ-મેઇલમાં ગુપ્તાએ કોહલીના બિઝનેસ વેન્ચરની વાત કરી છે.

ફરીયાદ કરતા સંજીવ ગુપ્તાએ કહ્યું કે વિરાટ કોહલી એકજ સમયે બે પોસ્ટ ધરાવતો હોવાથી તેણે ભારતના સર્વોચ્ચ ન્યાયાલ દ્વારા માન્યતા પ્રાપ્ત બીસીસીઆઇ રૂલ ૩૮ (૪)નું ઉલ્લંઘન કર્યું છે. હું ભારતીય ક્રિકેટ બોર્ડના એથિકસ ઓફીસરને વિનંતી કરૃં છું કે તેઓ વિરાટ કોહલીને એક પદ ત્યજી દેવાનો આદેશ આપે. મારી આ ફરીયાદ સંપૂર્ણપણે લોઢા કમીટીના નિયમો અને સુપ્રિમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત બીસીસીઆઇના સંવિધાને અનુરૂપ છે અને એમાં મારો કોઇ વ્યકિતગ સ્વાર્થ નથી. કોઇ પણ વ્યકિતના વ્યકિતગત જીવનમાં મને રસ નથી. હું માત્ર નિયમોનું પાલન સંપૂર્ણપણે થાય એ વિશે ચિંતિત છું. કોઇ પણ વ્યકિત ગમે એટલો મોટો હોય કે અમીર હોય, પણ તે નિયમોથી ઉપર નથી.

(4:02 pm IST)