ખેલ-જગત
News of Saturday, 6th March 2021

વિરાટ કોહલી ફરી એક વખત બેટિંગમાં ફલોપઃ 2014માં ઇંગ્‍લેન્‍ડ સામે સિરીઝમાં 2 વખત ઝીરો રનમાં આઉટ થયો હતોઃ મહેન્‍દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી

અમદાવાદઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર બેટિંગમાં ફ્લોપ રહ્યો. ઈંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલ ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પાસે મોટી ઈનિંગ્સની આશા હતી. પરંતુ કોહલી ખાતું ખોલ્યા વિના પેવેલિયન પાછો ફર્યો. કોહલીને બેન સ્ટોક્સે વિકેટકીપર બેન ફોક્સના હાથે કેચ આઉટ કરાવી દીધો. કોહલી બીજી વખત ટેસ્ટ સિરીઝમાં ખાતું ખોલ્યા વિના આઉટ થયો. ચેન્નઈમાં રમાયેલ બીજી ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં પણ શૂન્ય પર આઉટ થયો હતો. વિરાટ કોહલીને મોઈન અલીએ શાનદાર બોલ પર બોલ્ડ  કર્યો હતો. મોઈનના તે બોલને ડ્રીમ બોલ કહેવામાં આવ્યો હતો.

કોહલી સાથે Duckની બીજી ઘટના:

કોહલીની ટેસ્ટ કારકિર્દીમાં આવું બીજીવાર થયું છે. જ્યારે તે કોઈ સિરીઝમાં બે વખત ઝીરો પર આઉટ થયો છે. પહેલાં કોહલી 2014માં ઈગ્લેન્ડ સામે સિરીઝમાં બે વખત ઝીરો પર આઉટ થયો હતો. તે સિરીઝમાં કોહલીને લિયામ પ્લન્કેટ અને જેમ્સ એન્ડરસને ઝીરોમાં આઉટ કર્યો હતો.

કારકિર્દીમાં 12 વખત ઝીરો રનમાં આઉટ થયો:

વિરાટ કોહલી ટેસ્ટ કારકિર્દીમાં 12મી વખત ઝીરોમાં આઉટ થયો. સાથે બેન સ્ટોક્સે કોહલીને પાંચમી વખત ટેસ્ટ ક્રિકેટમાં આઉટ કર્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં કોહલી ચોથી વખત ઝીરોમાં આઉટ થયો છે. ભારતીય ક્રિેકેટરોમાં તેણે જસપ્રીત બુમરાહની બરોબરી કરી છે. મોહમ્મદ શમી અને ચેતેશ્વર પૂજારા પણ ચેમ્પિયનશીપમાં અત્યાર સુધી 3-3 વખત ઝીરોમાં આઉટ થયા છે.

ટેસ્ટમાં કયા બોલરોએ કોહલીને ઝીરોમાં આઉટ કર્યો:

1. રવિ રામપોલ, વેસ્ટ ઈન્ડિઝ

2. બેન હિલ્ફેનહોસ, ઓસ્ટ્રેલિયા

3. લિયામ પ્લન્કેટ, ઈંગ્લેન્ડ

4. જેમ્સ એન્ડરસન, ઈંગ્લેન્ડ

5. મિશેલ સ્ટાર્ક, ઓસ્ટ્રેલિયા

6. સુરંગા લકમલ, શ્રીલંકા

7. સ્ટુઅર્ટ બ્રોડ, ઈંગ્લેન્ડ

8. પેટ કમિન્સ, ઓસ્ટ્રેલિયા

9. કેમર રોચ, વેસ્ટ ઈન્ડિઝ

10. અબુ જાએદ ચૌધરી, બાંગ્લાદેશ

11. મોઈન અલી, ઈંગ્લેન્ડ

12. બેન સ્ટોક્સ, ઈંગ્લેન્ડ

નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે કોલકાતા ટેસ્ટમાં 136 રનની ઈનિંગ્સ રમ્યા પછી કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી એકપણ સદી ફટકારી શક્યો નથી. તેના પછી કોહલીની 12 ટેસ્ટ ઈનિંગ્સ પર નજર કરીએ તો તેમાં 2,19, 3,14,74, 4, 11, 72, 0, 62, 27 અને 0. ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટ કોહલી 8મી વખત ઝીરોમાં આઉટ થયો છે. તેણે મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરોબરી કરી. જે ટેસ્ટ કેપ્ટન તરીકે 8 વખત ઝીરોમાં આઉટ થયો હતો.

(5:03 pm IST)