ખેલ-જગત
News of Saturday, 5th December 2020

ટીમ ઈલેવનમાં ના હોવા છતાં ‘મેન ઑફ ધી મેચ’ મેળવનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો ચહલ

રવિન્દ્ર જાડેજાની જગ્યાએ જોડાયેલ 12મો ખેલાડી “મેન ઑફ ધી મેચ”

મુંબઈ : ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમનો 11 રને વિજય થયો છે. આ જીત બાદ ટીમ ઈન્ડિયા  ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. આ મેચમાં ભારત માટે 12માં ખેલાડીએ મેચ વિનિંગ પર્ફોમન્સ કર્યું અને તેને જ “મેન ઑફ ધી મેચ”નો ખિતાબ આપવામાં આવ્યો.મેચ  દરમિયાન રવિન્દ્ર જાડેજાના  માથા પર ઈજા થઈ હતી. જેના કારણે જાડેજાની જગ્યાએ કન્કસન સબ્સ્ટીટ્યૂટ યજુવેન્દ્ર ચહલને  સામેલ કરવામાં આવ્યો હતો.

કેનબરામાં રમાયેલી આ પ્રથમ ટી-20 મેચમાં ઑસ્ટ્રેલિયાના કપ્તાન એરોન ફિન્ચે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે ઑપનર કેએલ રાહુલની અડધી સદી અને રવિન્દ્ર જાડેજાની  44 રનની તોફાની ઈનિંગ્સની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 161 રન ફટકાર્યા હતા.જેનો જવાબ આપવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 150 રન જ બનાવી શકી. આમ ભારતે 11 રને મેચ જીતીને સીરિઝમાં લીડ હાંસલ કરી છે.

 

જાડેજાની જગ્યાએ 12માં ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવેલા યુજવેન્દ્ર ચહલે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર બોલિંગ કરી હતી. ચહલે  4 ઓવરમાં માત્ર 25 રન આપીને વિરોધી ટીમની ત્રણ મહત્વની વિકેટો ખેરવીને મેચને ભારત તરફ કરી દીધી હતી.

(9:54 am IST)