ખેલ-જગત
News of Tuesday, 5th June 2018

એશિયન ગેમ્સ માટે ભારતની ટેનિસ ટીમમાં અમદાવાદની અંકિતા રૈનાનો પણ સમાવેશ

નવી દિલ્હી: ઇન્ડોનેશિયા ખાતે ૧૮ ઓગસ્ટથી યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતની ટેનિસ ટીમ જારી કરી દેવામાં આવી છે. ભારતની ૧૨ સદસ્યોની ટીમમાં અમદાવાદની અંકિતા રૈનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અંકિતા રૈના તેની આઇટીએફ કારકિર્દીમાં ૬ સિંગલ્સ અને ૧૩ ડબલ્સ ટાઇટલ જીતી ચૂકી છે. ૧૭ જૂનના ૪૫મી વર્ષગાંઠ ઉજવવા જઇ રહેલા લિએન્ડર પેસને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મેન્સ ટીમમાં ઝીશાન અલી જ્યારે વિમેન્સ ટીમમાં અંકિતા ભાંબરી ટીમના કેપ્ટન-કોચ તરીકે રહેશે.  એટીપી સિંગલ્સ રેન્કિંગમાં યુકી ભાંબરી ૯૪મા ક્રમે હોવાથી તેને યુએસ ઓપનમાં સીધી તક મળી શકે એમ છે, જેના કારણે એશિયન ગેમ્સની ટીમમાં તેનો સમાવેશ કરાયો નથી. યુએસ ઓપનનો ૨૭ ઓગસ્ટથી પ્રારંભ થશે. ભારતની ટીમ : મેન્સ : લિએન્ડર પેસ, રામકુમાર રામનાથન, રોહન બોપન્ના, પ્રજનેશ ગુન્નેશ્વરન, સુમિત નાગલ, દિવિજ શરણ. વિમન્સ ટીમ : અંકિતા રૈના, કરમન કૌર, રૃતુજા ભોસલે, પ્રંજલા યેદલાપલ્લી, રિયા ભાટિયા, પ્રાર્થના થોમ્બારે.

(5:10 pm IST)