ખેલ-જગત
News of Tuesday, 5th June 2018

ફૂટબોલપ્રેમીઓએ છલકાવ્યુ અંધેરીનું અરેના સ્ટેડિયમ

૧૦૦મી મેચને યાદગાર બનાવતા સુનિલ છેત્રીએ ભારતને કેન્યા સામે અપાવ્યો ૩-૦થી વિજય : કોહલી અને સચિને કરેલી અપીલ બાદ બદલાયુ ચિત્ર, ફૂટબોલ ટીમના કેપ્ટને માન્યો દર્શકોનો આભાર

પોતાની ૧૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ રમતા સુનિલ છેત્રીએ કરેલા બે ગોલને કારણે ભારતે કેન્યા સામેની ઈન્ટકોન્ટિનેન્ટલ કપ ફૂટબોલ ટુર્નામેન્ટની ગઈકાલની કેન્યા સામેની મેચ ૩-૦થી જીતી લીધી હતી. મેચ પહેલા ફૂટબોલજગતના બે દિગ્ગજ ખેલાડીઓ બાઈચુન્ગ ભુટીયા અને આઈ.એમ. વિજયને ૧૦૦મી ગેમ રમતા સુનિલને મેમેન્ટો આપ્યો હતો. ભારે વરસાદ છતાં સ્ટેડિયમમાં ૧૦ હજાર કરતા વધુ દર્શકો ઈન્ડિયા - ઈન્ડિયાનો સૂત્રોચ્ચાર કરતા હતા. મેચની તમામ ટિકીટો વેચાઈ ગઈ હતી. ભારતે આ પહેલા ચીની તાઈપેની મેચમાં પણ ૫-૦થી વિજય મેળવ્યો હતો.

આ મેચમાં ઓછી હાજરીને કારણે સુનિલે ઈમોશનલ વિડીયો મેસેજ મોકલ્યો હતો, જેની ભારે અસર જોવા મળી હતી. વિરાટ કોહલી અને સચિન તેન્ડુલકરે લોકોને ફૂટબોલ મેચ જોવા માટે અપીલ કરી હતી. આમ વર્કીંગ ડે હોવા છતાં અંધેરીમાં આવેલા મુંબઈ ફૂટબોલ અરેના સ્ટેડિયમમાં છલોછલ હાજરી જોવા મળી હતી. સુનિલ છેત્રીએ પણ સ્વીકાર્યુ હતું કે તેના વિડીયો મેસેજની આટલી બધી અસર પડશે એવુ વિચાર્યુ નહોતુ જેમાં તેણે કહ્યું હતું કે ભલે અમને ગાળો આપો, પરંતુ અમારી મેચ જોવા સ્ટેડિયમમાં આવો.

(12:42 pm IST)