ખેલ-જગત
News of Wednesday, 5th May 2021

આઈપીએલને સ્થગિત કર્યા સિવાય છૂટકો નહતોઃ નાસિર હુસૈન

આઈપીએલ સંદર્ભે ઈંગ્લેન્ડના પૂર્વ સુકાનીના પ્રહાર : એક તરફ એમ્બ્યુલન્સની કમી છે અને બીજી તરફ તેમના માટે એમ્બ્યુલન્સ મેદાન બહાર મુકી રખાઈ છે : નાસિર હુસૈન

નવી દિલ્હી, તા. ૫ : કોરોનાના સંક્રમણના પગલે આઈપીએલ ટાળી દેવામાં આવી છે ત્યારે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર નાસિર હુસેનને લાગે છે કે, ભારતના બોર્ડ પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ હતો પણ નહીં.

નાસિર હુસેને કહ્યુ હતુ કે, ભારતમાં જે સ્થિતિ છે તેની ખેલાડીઓ અવગણના કરી શકે તેમ પણ નહોતા.હા તેઓ પોતાનો સહયોગ અને દાન આપી રહ્યા હતા પણ જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે તેમાં આઈપીએલને સ્થગિત કરવાનો જ એક માત્ર રસ્તો હતો.

હુસેને બ્રિટિશ અખબારમાં પોતાની કોલમમાં લખ્યુ હતુ કે, ક્રિકેટરોના બાયોબબલમાં પણ ઠેક ઠેકાણે ગાબડા પડી ચુક્યા હતા.ક્રિકેટરો પણ મૂરખ કે અસંવેદનશીલ નથી.તેઓ પણ ટીવી પર જોઈ શકતા હતા કે કેવી રીતે લોકો હોસ્પિટલ બેડ માટે આજીજીઓ કરી રહ્યા હતા.તેઓ જોઈ રહ્યા હતા કે, એક તરફ એમ્બ્યુલન્સની કમી છે અને બીજી તરફ તેમના માટે એમ્બ્યુલન્સ મેદાન બહાર મુકી રખાઈ છે.આવામાં ક્રિકેટરો પણ વિચારતા હશે કે, શું ક્રિકેટ રમવુ યોગ્ય છે.આ સ્થિતિ તેમના માટે બહુ અસહજ હતી.

હુસૈને કહ્યુ હતુ કે, ૨૦૨૦ની જેમ આઈપીએલનુ આયોજન યુએઈમાં કરાવવાની જરૂર હતી.ભારતમાં આઈપીએલનુ આયોજન મોટી ભૂલ હતી.ગયા વર્ષે યુએઈમાં કોરોનાના થોડા ઘણા કેસ હતા પણ આઈપીએલના આયોજન પર તેની અસર પડી નહોતી.ઉપરાંત ક્રિકેટરો માટેના બાયોબબલ સાથે પણ કોઈ સમાધાન નહોતુ થયુ.

(8:01 pm IST)