ખેલ-જગત
News of Monday, 5th April 2021

૪૯ રને કેચ આઉટ થતા બેટસમેન ગુસ્સે થઇ ગયોઃ ફીલ્ડરને બેટથી માર મારતા હાલત ગંભીર

ગ્લાવિયરની એક ક્રિકેટ મેચમાં સ્પોટર્સમેન સ્પિરિટ લજવતો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો

નવી દિલ્હી, તા.૫: ગ્લાવિયરમાં રમાઇ રહેલી એક મેચમાં બેટ્સમેન કેચ આઉટ થઇ ગયો અને ફીલ્ડરની ખુબ વાહ વાહી પણ થઇ હતી. આ વાતથી ગુસ્સે ભરાયેલા બેટ્સમેને જે ફીલ્ડરે કેચ પકડ્યો હતો તેને બેટથી એટલો માર્યો કે તે બેભાન થઇ ગયો હતો. સ્પોર્ટમેન સ્પીરીટને ભૂલીને તેણે આ કૃત્ય કર્યુ કારણકે તે અર્ધશતકની ખુબ નજીક હતો.

શાનદાર બેટિંગ કરી રહેલા ૨૩ વર્ષના સંજય પાલિયા ૪૯ના સ્કોર પર પહોંચી ગયો હતો ત્યારે જ એક બોલ પર ફિલ્ડર સચિન પરાશરે શાનદાર કેચ પકડીને તેની ઇનીંગનો અંત લાવી દીધો હતો. ૪૯ પર આઉટ થયા બાદ સંજયને ખુબ ગુસ્સો આવ્યો હતો અને તેણે બેટથી જ ફીલ્ડરને માર્યો અને ગંભીર રૂપથી તે ઘાયલ થયો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું કે સંજય ૪૯ના સ્કોર પર આઉટ થયો હોવાથી ગુસ્સે ભરાઇ ગયો અને ફીલ્ડર સચિન પારાશર કે જે પણ ૨૩ વર્ષનો જ હતો તેને બેટથી મારી મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. જેના કારણકે પારાશર મેદાનમાં જ બેભાન થઇ ગયો હતો અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે જણાવ્યું કે સંજયની તેઓ શોધખોળ કરી રહ્યાં છે અને તેના વિરુદ્ઘ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી છે.

(2:52 pm IST)