ખેલ-જગત
News of Monday, 5th February 2018

આફ્રિકાને ફટકો : હવે ડીકોક પણ ઇજાના લીધે બહાર થયો

ડિવિલિયર્સ, પ્લેસિસ બાદ ડીકોક પણ આઉટ થઇ ગયો : વનડે શ્રેણી અને ટી-૨૦ શ્રેણીમાં રમશે નહીં

સેન્ચુરિયન,તા.૫ : ભારતની સામે વનડે શ્રેણીમાં આફ્રિકન ટીમ એક પછી એક મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે. ટીમને ખેલાડીઓની ઇજાની સમસ્યા સતાવી રહી છે. પહેલા ડિવિલિયર્સ, કેપ્ટન ડુપ્લેસિસ અને હવે ડીકોક પણ ઇજાના કારણે બહાર થઇ ગયો છે. આફ્રિકન ટીમના ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદી વધુ લાંબી થઇ રહી છે. ડીકોક પણ હવે આંગણીમાં ઇજા થવાના કારણે બહાર થઇ ગયો છે. તે વનડે શ્રેણીમાં બાકી રહી ગયેલી મેચો અને ટી-૨૦ શ્રેણીમાં પણ રમી શકશે નહીં. વનડે શ્રેણીની શરૃઆત પહેલા જ એબી ડિવિલિયર્સ પ્રથમ ત્રણ મેચ માટે બહાર થઇ ગયો હતો. ત્યારબાદ પહેલી ફેબ્રુઆરીના દિવસે ડર્બનમાં રમાયેલી પહેલી વનડે મેચ દરમિયાન ડુપ્લેસીસ ઘાયલ થયો હતો ત્યારબાદ તે બહાર થઇ ગયો હતો. ક્રિકેટ સાઉથ આફ્રિકા તરફથી જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ડીકોક પણ હવે બાકીની મેચોમાં રમશે નહીં. તેને રિકવર થવામાં બેથી ચાર સપ્તાહનો સમય લાગી શકે છે. ડીકોકને બેટિંગ કરતી વેળા આંગળીમાં ઇજા થઇ હતી. આફ્રિકન ક્રિકેટ ટીમના મેનેજર મોહમ્મદ મુસાજીએ કહ્યું છે કે, તે ઇજાગ્રસ્ત થયા બાદ ટીમને ફટકો પડ્યો છે. મેડિકલ ટીમ પ્રયાસ કરશે કે તે આગામી મહિને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ શ્રેણી પહેલા સંપૂર્ણપણે ફીટ થઇ જાય અને રમી શકે. પસંદગીકારોએ ડીકોકની જગ્યાએ અન્ય કોઇ ખેલાડીની હજુ સુધી કરી નથી. વનડે શ્રેણીમાં ભારત શરૃઆતની બંને મેચો જીતીને ૨-૦ની લીડ ધરાવે છે. આવી સ્થિતિમાં આફ્રિકા સામે વાપસી કરવાની બાબત સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં હવે શક્ય દેખાતી નથી. ભારતની બાકીની મેચો પણ જીતવાની તક રહેલી છે.

(8:13 pm IST)