ખેલ-જગત
News of Friday, 4th December 2020

પુત્રીની તબિયત બગડતાં દિગ્ગજ શાહિદ આફ્રિદી પાકિસ્તાન પાછો ફર્યો

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર પર આફત : સ્ટાર ક્રિકેટર લંકા પ્રિમિયર લિગમાં ગેલ ગ્લેડીયેટર્સની ટીમનું નેતૃત્વ કરે છે, સ્પર્ધા અધવચ્ચેથી પડતી મૂકી

ઈસ્લામાબાદ ,તા.૪ : દિગ્ગજ શાહિદ આફ્રિદી લંકા પ્રીમિયર લીગને અધવચ્ચે મૂકીને પાકિસ્તાન પરત ફર્યો છે. ટીમ ગેલ ગ્લેડીયેટર્સની કમાન સંભાળી રહેલા આફ્રિદીએ ઘરે પાછા ફરવાનું કારણ આપ્યું ન હતું અને સોશિયલ મીડિયા પર વ્યક્તિગત કારણો આગળ ધર્યા હતા. હવે તેની એક તસવીર લંકા પ્રીમિયર લીગના હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવી છે જેમાં તે તેની પુત્રી સાથે જોવા મળી રહ્યો છે.

આફ્રિદીએ એમ પણ કહ્યું હતું કે, પરિસ્થિતિ સુધરે તો તે ટીમમાં જોડાશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવતું હતું કે આફ્રિદીના ઘરે પાછા ફરવાનું કારણ તેમની પુત્રી છે. આફ્રિદીની પુત્રી બીમાર હોવાનું જાણવા મળ્યું હતું અને સોશિયલ મીડિયા પર એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેને હોસ્પિટલમાં બતાવવામાં આવી હતી. આફ્રિદીએ ટ્વીટ કર્યું હતું કે, 'કમનસીબે અંગત ઈમરજન્સીના કારણે મારે ઘરે પાછા આવવું પડ્યું. હું પરિસ્થિતિ સારી થયા પછી તરત જ એલપીએલમાં મારી ટીમમાં જોડાવા પરત આવીશ. ઓલ ધ બેસ્ટલ્લ

બાદમાં લંકા પ્રીમિયર લીગે એક ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો અને આફ્રિદીના જવા અંગેનું સાચું કારણ જણાવ્યું હતું. આ ફોટામાં આફ્રિદી પોતાની દીકરી સાથે હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. ટ્વીટમાં લખાયું છે કે, શું તમને ખબર છે કે આફ્રિદી કેમ પોતાના દેશ પરત ફર્યો? તેની દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અને અમે તેની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરીએ છીએ.

(7:35 pm IST)