ખેલ-જગત
News of Friday, 4th December 2020

આગામી આઇપીએલ ટુર્નામેન્‍ટમાં અમદાવાદની ટીમ જોડાશે કે નહીં ? 24મીએ બીસીસીઆઇ બેઠકમાં ફાઇનલ નિર્ણય

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વાર્ષિક સામાન્ય સભા (AGM) 24 ડિસેમ્બરે થશે, જેમાં આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા પર ચર્ચા કરવામાં આવશે. બેઠકના એજન્ડામાં ઉપાધ્યક્ષની ચૂંટણી પણ સામેલ છે. બીસીસીઆઈએ એજીએમ બોલાવતા પહેલા તમામ માન્ય એસોસિએશનોને 21 દિવસ પહેલા 23 બિંદુઓનો એજન્ડા મોકલ્યો છે.

સૌથી મહત્વની વાત આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરીને તેને 10 ટીમોની ટૂર્નામેન્ટ બનાવવાની છે. સમજી શકાય છે કે અદાણી સમૂહ અને સંજીવ ગોયનકાની આરપીજી (રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સના માલિક) નવી ટીમો બનાવવા ઈચ્છે છે, જેમાં એક ટીમ અમદાવાદથી હશે.

બેઠકમાં તે વાત પર પણ ચર્ચા થશે કે આઈસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં બીસીસીઆઈના પ્રતિનિધિ કોણ હશે. સમજી શકાય કે બોર્ડ સચિવ જય શાહને આ જવાબદારી સોંપવામાં આવશે.

પસંદગી સમિતિમાં ત્રણ નવા પસંદગીકારોની ખાલી જગ્યા પણ ભરવાની છે. બોર્ડના એક સીનિયર સૂત્રએ જણાવ્યુ, 'પસંદગી સમિતિ ક્રિકેટ સમિતિનો ભાગ છે. આ સિવાય ટેકનિકલ સમિતિની રચના થવાની છે. આ બધી ઉપ સમિતિઓ છે.'

અમ્પાયરોની ઉપ સમિતિની રચના પણ થશે. આ સિવાય રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરવામાં આવશે. વાતચીતમાં ભારતનો 2021નો ફ્ચૂચર ટૂર કાર્યક્રમ, આગામી વર્ષે રમાનાર ટી20 વિશ્વકપની તૈયારી અને 2028 લોસ એન્જિલસ રમતોમાં ક્રિકેટને સામેલ કરવા જેવા મુદ્દે ચર્ચા થશે.

(5:53 pm IST)