13 ડિસેમ્બરના વિનશ ફોગાટ લેશે સોમવીર સાથે સાત ફેરા
નવી દિલ્હી:કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટનાં લગ્ન આગામી ૧૩મી ડિસેમ્બરે જિંદના સોમવીર રાઠી સાથે થશે. વિનેશ સોમવીર રાઠી સાથે હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના બલાલી ગામે લગ્ન કરશે. જેમાં પરિવાર અને સંબંધીઓ હાજર રહેશે. ૨૪ વર્ષીય વિનેશના મંગેતર સોમવીર ગ્રીકો-રોમન કેટેગરીનો રેસલર છે. તેણે નેશનલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો હતો. સોમવીર અને વિનેશની મિત્રતા સાત વર્ષ જૂની છે. ગત ૨૫ ઓગસ્ટે ગોલ્ડ જીતી ભારત પરત ફરેલી વિનેશને સોમવીરે એરપોર્ટ પર અંગૂઠી પહેરાવી હતી.ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સ વખતે વિનેશ ફોગાટની ફાઇટ વખતે જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઉપસ્થિત રહ્યો હતો જેને કારણે વિનેશનું નામ નીરજ સાથે જોડવામાં આવ્યું હતું. આથી વિનેશ રોષે ભરાઈ હતી અને આ વાતનું ખંડન કર્યું હતું. તે પછી વિનેશે સોમવીર સાથે સંબંધ હોવાની જાહેરાત કરી હતી.