ખેલ-જગત
News of Tuesday, 4th December 2018

ઓસ્ટ્રેલિયાના મહાન બેટસમેન સરડોન બ્રેડમેનને સમર્પિત ‘‘ધ બ્રેડમેન મુઝિયમ દ્વારા વિરાટ કોહલીનુ સન્માન

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાની બેટિંગને કારણે ભારત જ નહીં આખી દુનિયામાં પોપ્યુલર છે. વિરાટની ફેન ફોલોઈંગ દરરોજ વધી રહી છે. તેણે પોતાના પરફોર્મન્સથી છેલ્લા કેટલાક વર્ષમાં જે મુકામ મેળવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. તેણે અનેક મોટા-મોટા રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે અને ઘણા એવોર્ડ્ઝ જીતી ચૂક્યો છે. હવે 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ પહેલા કોહલીને વધુ એક ખુશખબર મળી છે.

ઑસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડૉન બ્રેડમેનને સમર્પિત ‘ધ બ્રેડમેન મ્યૂઝિયમ’ તરફથી કોહલીનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવ્યું છે. આ મ્યૂઝિયમમાં બહુ ઓછા અને વિશિષ્ટ ટેલેન્ટ ધરાવતા લોકોને સ્થાન મળે છે.

આ મ્યૂઝિયમમાં સિલેક્ટેડ ક્રિકેટર્સની વસ્તુઓને ફેન્સ માટે રાખવામાં આવે છે. કોહલી પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ અને સચિન તેંડુલકરને આ સન્માન મળી ચૂક્યા છે. કપિલ અને સચિન બાદ હવે કોહલીને આ સન્માન મળવા જઈ રહ્યું છે. વિરાટે 2014-15ના ઑસ્ટ્રેલિયા પ્રવાસ વખતે સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટમાં શાનદાર સેન્ચુરી ફટકારી હતી અને મેચ બાદ તેણે પોતાની જર્સી ડોનેટ કરી દીધી હતી.

હવે ચાર વર્ષ બાદ આ જર્સીને આ મ્યૂઝિયમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, આ મેચમાં કોહલીએ 230 બોલમાં 116 રનની ઈનિંગ રમી હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે ભારતીય ટીમ પાસે ટેસ્ટ સીરીઝ જીતવાની સુવર્ણ તક છે. કોહલીએ પ્રેક્ટિસ મેચ દરમિયાન અર્ધ સદી ફટકારી ફોર્મમાં હોવાના સંકેત પહેલેથી જ આપી દીધા છે.

(4:48 pm IST)