ખેલ-જગત
News of Friday, 4th October 2019

વિશ્વ એથ્લેટીક્સ ચેમ્પિયશીપ: બ્રિટનના ૩૬ વર્ષથી ચાલી રહેલા દુકાળનો અંત: ૨૦૦ મીટર રેસમાં દિના એશેર સ્મિથે મેળવ્યું ગોલ્ડ

નવી દિલ્હી:દિના એશેર સ્મિથે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ૨૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતીને બ્રિટનના ૩૬ વર્ષથી ચાલી રહેલા દુકાળનો અંત આણ્યો હતો. અમેરિકાની ગ્રાન્ડ હોલોવેએ ૧૧૦ મીટર હર્ડલ રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશેરે ૧૦૦ મીટર રેસમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો પરંતુ તેણે ૨૦૦ મીટરમાં પોતાનું વર્ચસ્વ જમાવીને ૨૧.૮૮ સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. આ રીતે ૨૩ વર્ષી એશેર વર્લ્ડ ચેમ્પિયનશિપની ૧૦૦ મીટર કે ૨૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ બ્રિટિશ મહિલા એથ્લેટ બની ગઈ છે. અમેરિકાની બ્રિટની બ્રાઉને ૨૨.૨૨ સેકન્ડના સમય સાથે સિલ્વર તથા સ્વિટ્ઝરલેન્ડની મુજિંગા કામ્બુંદજીએ ૨૨.૫૧ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બ્રિટિશ એથ્લેટ રેસ પૂરી થવાની સાથે ભાવુક બની ગઈ હતી. ટ્રેક ઉપર જ અન્ય એથ્લેટ્સને ગળે મળતી વખતે તેની આંખોમાં આંસુ હતા. ત્યારબાદ જ્યારે તે પોતાના દેશનો ધ્વજ લઈને પોતાની માતા પાસે પહોંચી ત્યારે તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.  હોલોવેએ ૧૧૦ મીટર હર્ડલ રેસની ફાઇનલમાં ૧૩.૧૦ સેકન્ડનો સમય હાંસલ કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ઓલિમ્પિક તથા વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઓમર મેક્લિયોડ રેસના અંત ભાગમાં હોલોવેની નજીક પહોંચી હતી પરંતુ તે અંતિમ બેરિયર ઉપર પડી ગઈ હતી. ૨૦૧૫ની વર્લ્ડ ચેમ્પિયન સરગે શુબેંકોવે ૧૩.૧૫ સેકન્ડના સમય સાથે સિલ્વર તથા ફ્રાન્સની પાસ્કલ ર્માિટનોટ લાગોર્ડે ૧૩.૧૮ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(5:46 pm IST)