ખેલ-જગત
News of Friday, 4th October 2019

કોમનવેલ્થ જુડો ચેમ્પીયનશીપમાં રાજકોટની રિશીતા કારેલીયાને સિલ્વર મેડલ

ઇંગ્લેન્ડમાં આયોજીત કોમ્પીટીશનમાં હીર ઝળકાવ્યું ચેમ્પિયનશીપમાં : આ દિકરીએ ઢગલાબંધ મેડલો જીત્યા છે, હવે અબુધાબીમાં : ઓલિમ્પિક કવાલીફાઇંગ રેન્કીંગ ગ્રાન્ડ સ્લામ સ્પર્ધામાં ભાગ લેશે

રાજકોટઃ ઇન્ટરનેશનલ જુડો ફેડરેશન અને કોમનવેલ્થ એસોસીએશન દ્વારા બ્રિટનના બર્મીંધમ ખાતે આયોજીત કોમનવેલ્થ જુડો ચેમ્પીનશીપમાં રાજકોટની રિશિતા કારેલીયાએ સિલ્વર મેડલ જીતી ગૌરવ અપાવ્યું છે ૪૮ કિ.ગ્રા.માં તેણે આ સિધ્ધી હાંસલ કરી છે.

રિશિતા હવે આગામી તા.૨૩ થી ૨૬ ઓકટોબર દરમિયાન આયોજીત ઓલિમ્પિક કવાલીફાઇંગ રેન્કીંગ ગ્રાન્ડ સ્લામ સ્પર્ધામાં ભાગ લેવા જનાર છે. તેઓએ ૨૦૧૪માં ખેલમહાકુંભથી જુડોનો પ્રારંભ કર્યો હતો. રાજકોટના સ્પોર્ટસ સંકુલના કોચ વ્રજ રાજપુત પાસે ૨૦૧૫ સુધી તાલીમ લીધી. તેઓએ ભારત સરકાર આયોજીત વિવિધ તાલીમ લીધી. તેઓએ ભારત સરકાર આયોજીત વિવિધ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો.

તેમણે અનેક મેડલો હાંસલ કર્યા છે ખેડા જીલ્લાના નડીયાદ સ્થિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની જુડો સ્પોર્ટસ એકેડેમીમાં કોચ ઘનશ્યામ ઠાકુર, શિતલ શર્મા અને સતપાલ  રાણા પાસેથી તાલીમ મેળવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે અલગ-અલગ ચાર ગ્રાન્ડસ્લામ અને પાંચ ગ્રાન્ડ પિકસમાં સારા પોઇન્ટ સાથે વિજેતા બનીને જ કવાલીફાય થવુ પડે છે. આ તમામ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રાજય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે.

રિશિતાએ નડીયાદમાં એસજીએફઆઇ જુડો નેશનલ ગેમ્સમાં અન્ડર ૧૭માં ૪૮ કિલો વજનમાં સુર્વણપદક , દિલ્હીમાં એસજીએફઆઇ જુડો નેશનલમાં અન્ડર ૧૯ વર્ગમાં ૪૮ કિ.ગ્રા.માં કાંસ્ય, જાલંધરમાં કેડેટ અને જુનીયર નેશનલ ચેમ્પિયનશીપમાં ૪૮ કિ.ગ્રા. વજનમાં સિલ્વર, દિલ્હીમાં નેશનલ જુડો ચેમ્પિયનશીપમાં અન્ડર-૧૯ કિ.ગ્રા.માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દેશનું ગૌરવ વધારનાર રિશિતા ઉપર અભિનંદનનો ધોધ વહી રહયો છે.

(4:01 pm IST)