ખેલ-જગત
News of Wednesday, 4th August 2021

ભાલા ફેંકની ફાઇનલમાં ભારતના નીરજ અને પાકિસ્તાનના અશરદ નદીમ વચ્ચે ગોલ્ડ માટે સ્પર્ધા

ક્રિકેટ બાદ હવે ઓલિમ્પિકમાં ભારત-પાકની ટક્કર : અશરદ પહેલા ક્રિકેટ રમતો પરંતુ નીરજ ચોપડા પાસેથી પ્રેરણા લઈને તેણે ભાલા ફેંકમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કરેલ

ટોકયો,તા.૪ : ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક રોમાંચક મુકાબલા થયા છે. એકવાર ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે, પરંતુ આ ક્રિકેટ પિચ પર નહીં પરંતુ જૈવલિન થ્રો (ભાલા ફેંક) ના મેદાન પર થશે. આ મુકાબલામાં ભારતના સ્ટાર જૈવલિન થ્રોવર નીરજ ચોપડાએ પોતાના પ્રથમ થ્રોમાં ૮૬.૬૫ મીટર ભાલુ ફેંકયુ અને આ ઇવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

જૈવલિન થ્રોના પૂલ એમાં નીરજ ટોપ પર રહ્યો. તેના આ પ્રદર્શનથી દેશમાં ખુશીનો માહોલ છે. દેશ નીરજ પર ગોલ્ડ મેડલ જીતવાની આશા રાખી રહ્યો છે. તો પૂલ બી મુકાબલામાં ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાનના નદીમ અશરફે પણ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. નદીમ અશરફે પોતાનું ભાલુ ૮૫.૧૬ મીટર ફેંકીને પોતાના પૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

કમાલની વાત તે રહી કે બંને જૈવલિન થ્રોઅરે પોત-પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે અને ફાઇનલમાં જગ્યા બનાવી છે. પાકિસ્તાનના જૈવલિન થ્રોઅપ અશરદ પહેલા ક્રિકેટ રમતો હતો પરંતુ નીરજ ચોપડા પાસેથી પ્રેરણા લઈને તેણે ભાલા ફેંકમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યુ હતું. ૨૦૧૮માં ખુદ અશરદે કહ્યુ હતુ કે તે નીરજ પાસેથી પ્રેરણા લે છે.

(3:58 pm IST)