ખેલ-જગત
News of Wednesday, 4th August 2021

કોઇની રમતમાં ખામી પોતે જ નકકી કરવી જોઇએ, આ ટીકાકારોનું કામ નથીઃ વિરાટ

ચેતેશ્વરની ધીમી બેટીંગ મામલે સવાલો ઉઠતા કોહલી બચાવમાં

  નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ  વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા, કેપ્ટન વિરાટ કોહલીએ સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો બચાવ કર્યો છે. પૂજારાના સ્ટ્રાઈક રેટના સવાલ પર તેમણે કહ્યું કે, આ ભારતીય બેટ્સમેનને એકલો છોડી દેવો જોઈએ. કારણ કે કોઈની રમતમાં ખામી પોતે જ નક્કી કરવી જોઈએ, આ ટીકાકારોનું કામ નથી.

ભારતની વર્તમાન ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારા  રન બનાવવાના મામલે વિરાટ કોહલી પછી બીજા ક્રમે છે. તેણે ૮૬ મેચમાં ૬૨૬૭ રન બનાવ્યા છે. પરંતુ હાલના સમયમાં તેની વધુ પડતી રક્ષણાત્મક રમતની ઘણી ટીકા થઈ રહી છે. આ કારણે તેમના પર ઘણું દબાણ પણ વધ્યું છે.

 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ કોહલીએ કહ્યું હતું કે, તે જરૂરિયાત મુજબ ટીમમાં ફેરફાર કરશે. કેપ્ટને કહ્યું કે આ તબક્કે ખેલાડીઓને તેમની જવાબદારીનો અહેસાસ થાય છે. બિનજરૂરી ટીકા તેમને પરેશાન કરતી નથી, પૂજારાને સહેજેય તેની પરવા નથી.   એ જ રીતે, હું અથવા અન્ય કોઈ ખેલાડી સંપૂર્ણ રીતે વાકેફ છીએ કે, આપણે ટીમના સારા માટે શું કરવાનું છે. હું જાણું છું કે પુજારા ટીકાની પરવા કરતા નથી. લોકો જે ચાહે તે કહી શકે છે. પરંતુ આખરે તે હોય છે તો શબ્દો જ ને, જો તમને લાગે છે કે તેનો તમારા માટે કોઇ મતલબ નથી, તો તમે આગળ વધો છો અને તમારા રસ્તે ચાલતા રહો છો.

(3:13 pm IST)