ખેલ-જગત
News of Monday, 4th March 2019

મહિલા ક્રિકેટ ટી-20માં ભારતનો સતત ચોથો પરાજયઃ આજે ઇંગ્‍લેન્‍ડની ટીમે 41 રનથી ટીમ ઇન્‍ડિયાને હરાવી

ગુવાહાટીઃ ભારત અને ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટી-20 સિરીઝ ચાલી રહી છે. સિરીઝમાં ત્રણ મેચ રમાવાની છે. જેની પ્રથમ મેચ આજે (4 માર્ચ) રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે 41 રનથી પ્રથમ મેચ પોતાના નામે કરી લીધો છે. આ સાથે ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

આ મેચમાં સ્મૃતિ મંધાનાએ ટીમની કમાન સંભાળી હતી. ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 160 રન બનાવ્યા હતા. ભારતને 161 રનનો લક્ષ્ય આપ્યો હતો. બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. 10 ઓવરની અંદર જ ભારતે 5 વિકેટ ગુમાવી દીધી હતી.

ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન તમ્સીન બ્યૂમોન્ટે બનાવ્યા હતા. તેણે 57 બોલમાં 62 રન ફટકાર્યા હતા. બીજા નંબર પર હેદર નાઇટ રહી. તેણે માત્ર 20 બોલમાં 40 રન બનાવ્યા હતા. આ સિવાય ડેનિયલ વ્યાટે 34 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું હતું.

તો ભારતના કોઈપણ બેટ્સમેન 25થી વધુ રન બનાવી ન શક્યા. શિખા પાંડે 23 રન સાથે ભારતની ટોપ સ્કોરર રહી હતી. મંધાના માત્ર 2 રન બનાવી આઉટ થઈ હતી. મિતાલી રાજ માત્ર 7 રન બનાવી શકી હતી.

મહત્વનું છે કે, આ પહેલા બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ હતી. જે ભારતે 2-1થી કબજે કરી હતી. શ્રેણીની બીજી ટી20 મેચ 7 માર્ચ અને ત્રીજી મેચ 9 માર્ચે રમાશે.

(5:18 pm IST)