ખેલ-જગત
News of Wednesday, 3rd January 2018

ઇજાના કારણે બ્રિસબેનમાંથી મેરે નામ પાછું ખેંચ્યું

નવી દિલ્હી:બ્રિટનનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર એન્ડી મરે ફરી કમરની ઈજાના કારણે પરેશાન થઈ ગયો છે. અબુ ધાબીમાં એક સેટની એક્ઝિબિશન મેચમાં ભાગ લઈને ફિટનેસ સાબિત કરનારા મરેને ફરી કમરની ઈજા સતાવવા લાગી છે અને હવે તેણે ઈજાથી છુટકારો મેળવવા માટે ઓપરેશન કરાવવાની વિચારણા પણ શરૃ કરી છે. સાથે મરે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવા માટે અનિશ્ચિત બની ગયો છે. જો મરે કમરની ઈજા પર સર્જરી કરાવશે તો તારીખ ૧૫મી જાન્યુઆરીથી મેલબોર્નમાં શરૃ થઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી શકશે નહિ. જો આમ થશે તો ટેનિસ જગતને બીજા આંચકાનો સામનો કરવો પડશે. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચ પણ ઈજાના કારણે સાઈડલાઈન છે અને તે પણ સિઝનની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ - ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવા માટે શંકાસ્પદ મનાય છેઅબુ ધાબીની હાર બાદ મરે બ્રિસબેન આવી પહોંચ્યો હતો, જ્યાં તે એટીપી ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો હતો. જોકે બ્રિસબેન પહોંચ્યા બાદ તેણે આખરી મિનિટે ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી દીધી છે. મરેએ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો માટે ભાવનાત્મક મેસેજમાં લખ્યું છે કે, બ્રિસબેનમાં રહ્યા બાદ મને લાગે છે કે હું હજુ સ્પર્ધાત્મક ટેનિસ માટે તૈયાર નથી. હું હાલમાં બ્રિસબેનમાં છું અને આશા રાખું છું કે, મારી હાલતમાં સુધારો થશે અને હું ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લઈ શકીશ.

(4:37 pm IST)