આઇસીસી ટેસ્ટ રેન્કીંગઃ રોહીત પાંચમાં, કોહલી છઠ્ઠા અને બોલીંગમાં અશ્વિન બીજા સ્થાને યથાવત
બુમરાહ દસમાં સ્થાને, ઓલરાઉન્ડરમાં જાડેજા બીજા અને અશ્વિન ત્રીજા સ્થાને
નવી દિલ્હીઃ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં રોહિત પાંચમા, કોહલી છઠ્ઠા નંબર અને બોલિંગમાં રવિચંદ્ર અશ્વિન પણ બીજા ક્રમે યથાવત છે. જો કે ઝડપી બોલર જસપ્રિત બુમરાહે એક સ્થાન ગુમાવ્યું છે, પરંતુ તે ૯માથી ૧૦મા સ્થાને પહોંચી ગયો છે. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર શ્રેયસ અય્યર ૭૪માં નંબર પર આવી ગયો છે. તે જ સમયે, શુભમન ગિલ છ સ્થાનના ફાયદા સાથે ૬૬માં સ્થાને પહોંચી ગયો છે. બોલરોની વાત કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજા ૨૧મા સ્થાનેથી વધીને ૧૯મા સ્થાને પહોંચી ગયો છે. જો રૃટ બેટિંગમાં નંબર વન, બીજા નંબર પર સ્ટીવ સ્મિથ, ત્રીજા નંબરે કેન વિલિયમસન, ચોથા નંબરે માર્ક લેમ્બુશગેન છે.
બોલિંગની વાત કરીએ તો પેટ કમિન્સ પ્રથમ , રવિચંદ્ર અશ્વિન બીજા, ટિમ સાઉથી ત્રીજા, જોશ હેઝલવુડ ચોથા નંબરે છે. શાહીન આફ્રિદી ત્રણ ક્રમાંક વધીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. આફ્રિદી પ્રથમ વખત ટોપ ફાઈવમાં પહોંચ્યો છે. વેગનર એક સ્થાન નીચે છઠ્ઠા, રબાડા એક સ્થાન નીચે સાતમા અને એન્ડરસન એક સ્થાન નીચે આઠમા ક્રમે છે. ઓલરાઉન્ડરની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા બીજા સ્થાને, રવિચંદ્ર અશ્વિન ત્રીજા સ્થાને છે.