ખેલ-જગત
News of Thursday, 2nd December 2021

બીસીસીઆઇનું એક જુથ કોહલીને વન-ડેમાં કેપ્ટન તરીકે જાળવી રાખવાની તરફેણમાં, બીજુ જુથ રોહીતને કેપ્ટન બનાવવા માંગે છે

કોહલી વન-ડેનો કેપ્ટન રહેશે કે.....આફ્રિકાની સીરીઝ પહેલા ભાવિ નકકી થશે

નવી દિલ્હીઃ  ટી૨૦ ફોર્મેટમાં સુકાનીપદ છોડ્યા બાદ નિષ્ણાતો માની રહ્યા છે કે વિરાટ કોહલી વનડે ફોર્મેટમાં પણ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપશે અને તે સફેદ બોલના બંને ફોર્મેટમાં ખેલાડી તરીકે રમશે. હવેથી થોડા દિવસો પછી, જ્યારે ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટની ટીમોની પસંદગી કરશે, ત્યારે વન-ડેમાં વિરાટની કેપ્ટનશિપનું ભાવિ પણ નક્કી થશે.

બીસીસીઆઇના ટોચના અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકામાં કોવિડ-૧૯નું નવું સ્વરૂપ મળી આવ્યું હોવા છતાં, પ્રવાસ હજુ પણ પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ થશે, જોકે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.  આના એક દિવસ પહેલા બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ આ જ વાત કહી હતી.

  મોટાભાગની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચો વર્ષ ૨૦૨૨માં રમાશે, જેમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે.  વર્તમાન સમયપત્રક મુજબ, આગામી સાત મહિનામાં ભારત પાસે માત્ર નવ વનડે રમવાની છે, જેમાંથી છ વિદેશમાં રમાશે (ત્રણ દક્ષિણ આફ્રિકામાં અને ત્રણ ઈંગ્લેન્ડમાં).

 બીસીસીઆઇમાં એક જૂથ કોહલીને ODI કેપ્ટન તરીકે રાખવાની તરફેણમાં છે, જ્યારે અન્ય જૂથ T20 અને ODI બંનેની કપ્તાની એક જ ખેલાડીને સોંપવાની તરફેણમાં છે જેથી રોહિત શર્માને ૨૦૨૩ ODI માટે સારી તૈયારી કરવાની તક મળે. 

  માનવામાં આવે છે કે આ મામલે અંતિમ નિર્ણય  સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ લેશે. જો કે, હાલ વન-ડે ટીમમાંથી વિરાટ કોહલી પાસેથી સુકાનીપદ પરત લેવામાં આવે તેવી શક્યતા નથી.  કારણ કે જ્યારે વિરાટે ટી૨૦ ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો ત્યારે પણ બોર્ડના અધિકારીઓએ કહ્યું હતું કે આ તેમનો નિર્ણય હતો અને તેઓ પણ તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

(3:35 pm IST)