ખેલ-જગત
News of Sunday, 3rd November 2019

રાની રામપાલનો જાદુઈ ગોલથી ભારતની સિદ્ધિ

ટોકિયો ઓલિમ્પિક માટે ભારતીય ટીમ ક્વાલીફાઈઃ ભારતની મહિલાની હોકી ટીમ માટે સુવર્ણ દિવસ : હોકી ઓલિમ્પિક ક્વાલીફાયર બીજી મેચમાં હાર છતાં સિદ્ધિ

ભુવનેશ્વર, તા. ૨: ભારતની મહિલા હોકી ટીમે આજે એક નવો ઇતિહાસ સર્જી દીધો હતો. કારણ કે, ભારતીય મહિલા હોકી ટીમ હવે ત્રીજી વખત ઓલિમ્પિકમાં પ્રવેશ કરવા જઈ રહી છે. શુક્રવારના દિવસે પ્રથમ ગેમ જીતી લીધા બાદ ભારતીય ટીમને ફાયદો થયો છે. ભારતીય મહિલા હોકી ટીમનો દેખાવ ખુબ શાનદાર રહ્યો છે. ભારતીય હોકી ટીમના કોચે કહ્યું છે કે, ટીમને એક મોટી સફળતા હાથ લાગી ગઈ છે. છેલ્લા ૧૮ મહિનાના ગાળામાં ખુબ મહેનત કરવામાં આવી રહી હતી જેના પરિણામ હવે હાથ લાગી રહ્યા છે. ભારતીય મહિલા હોકી ટીમના કમાલથી હોકી ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. હોકી ઓલિમ્પિક ક્વાલીફાયરની બીજી મેચમાં અમેરિકાની સામે હાર થઇ હોવા છતાં ટોકિયો ઓલિમ્પિક માટેની ટિકિટ મેળવી લીધી છે. કેપ્ટન રાની રામપાલે જાદુઇ ગોલ ફટકાર્યો હતો. હકીકતમાં એગ્રીગેટના આધાર પર યુએસએને ૬-૫થી હાર આપી હતી. ભારતીય મહિલા ટીમે પ્રથમ મેચમાં યુએસએની ટીમને ૫-૧ના અંતરથી હાર આપી હતી. બીજી મેચમાં ૧-૪થી હારનો સામનો કરવો પડ્યો છે છતાં યુએસએના પાંચ ગોલની સામે ભારતના છ ગોલના લીધે ઓલિમ્પિકમાં ભારતીય ટીમ ક્વોલીફાઈ કરી ગઈ છે. યુએસએ તરફથી પ્રથમ ગોલ મેગા ડેને પાંચમી મિનિટમાં કર્યો હતો. ૧૪મી મિનિટમાં શેરકીએ બીજો, છ મિનિટ બાદ પાર્કરે ૨૦મી મિનિટમાં ત્રીજો ગોલ કર્યો હતો. મહેમાન ટીમ માટે ૨૮મી મિનિટમાં મેગા ડેએ ચોથો ગોલ કર્યો હતો. ભારતીય ચાહકો નિરાશ હતા ત્યારે જ ૪૯મી મિનિટમાં ભારતીય કેપ્ટન રાની રામપાલે ગોલ ફટકાર્યો હતો. આની સાથે જ ભારતે ઓલિમ્પિક માટે ક્વાલીફાઈ કરી જવામાં સફળતા મેળવી હતી.

(9:17 pm IST)