ખેલ-જગત
News of Thursday, 3rd May 2018

દર નવ બોલે સિક્સર ફટકારે છે ક્રિસ ગિલ

નવી દિલ્હી: IPLની ૧૧મી સીઝનમાં એક સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી ફટકારનારા પંજાબના બૅટ્સમૅન ક્રિસ ગેઇલને T૨૦ ફૉર્મેટમાં સિક્સરનો બાદશાહ ગણવામાં આવે છે, કારણ કે ૩૯ વર્ષની ઉંમરે પણ તે હરીફ ટીમ પર ભારે પડી જાય છે. ક્રિકેટના નાના ફૉર્મેટમાં પણ તે દોડીને રન લેવાને બદલે ચોગ્ગા-છગ્ગા ફટકારીને રન લેવામાં માને છે. અત્યાર સુધીમાં IPLમાં ૧૦૫ મૅચોમાં ૨૫૫૪ બૉલનો સામનો કરીને તેણે ૨૮૮ સિક્સર ફટકારી છે. આમ દર ૯મા બૉલે તેણે સિક્સર ફટકારી છે. તેણે કુલ ૩૯૩૪ રન બનાવ્યા છે. તે થોડી વાર માટે પણ મેદાનમાં ટકી જાય તો હરીફ ટીમ પર ભારે પડી જાય છે.
બૅન્ગલોર વતી રમતાં તેણે દર ૯મા બૉલે સિક્સર ફટકારી છે અને કુલ ૨૩૯ સિક્સર ફટકારી છે. કલકત્તા વતી દર ૧૩મા બૉલે સિક્સર ફટકારીને કુલ ૨૬ સિક્સર ફટકારી છે.
હવે પંજાબ વતી રમતાં તેણે ૪ મૅચમાં દર ૬ઠ્ઠા બૉલે સિક્સર ફટકારી છે. પંજાબ વતી તેણે ૨૩ સિક્સર ફટકારી છે અને એક સદી તથા બે અર્ધ-સદીની મદદથી કુલ ૨૫૨ રન બનાવ્યા છે.
IPLમાં ક્રિસ ગેઇલની ૨૮૮ સિક્સર બાદ બીજા નંબરે સાઉથ આફ્રિકાનો એ. બી. ડિવિલિયર્સ આવે છે. તેણે ૧૩૫ મૅચમાં ૧૮૦ સિક્સર ફટકારી છે. તે ગેઇલ કરતાં ૧૦૮ સિક્સર પાછળ છે.
T૨૦માં તેણે ૩૨૬ મૅચોમાં ૮૪૦ સિક્સર ફટકારી છે. તેના પછીના નંબરે કિરોન પોલાર્ડ છે જેણે ૪૧૯ મૅચોમાં ૫૨૫ સિક્સર ફટકારી છે. આમ તે ક્રિસ ગેઇલ કરતાં ૩૧૫ સિક્સર પાછળ છે. આથી ક્રિસ ગેઇલનો રેકૉર્ડ તોડવો મુશ્કેલ છે.

(4:46 pm IST)