ખેલ-જગત
News of Friday, 2nd July 2021

IPLનું આવતા વર્ષે મેગા ઓકશનઃ ધોની, કોહલી અને વિરાટ સહિતના ખેલાડીઓની હરાજી થશે

આગામી સિઝનમાં બે નવી ટીમો ઉમેરાશે, બોર્ડ ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડશેઃ બોર્ડને મોટા વિન્ડોની જરૂર પડશે

નવી દિલ્હીઃ આઈપીએલ BCCI માટે કમાઉ દીકરો છે. આઇપીએલ દ્વારા બોર્ડને અઢળક આવક થઈ છે. જેથી આગામી વર્ષે બોર્ડ મેગા ઓકશન કરવા જઈ રહ્યું છે. ઓકશનમાં તમામ ફ્રેન્ચાઇજી કેટલાક ખેલાડીઓને રિટેન કરી શકશે. બાકી બધા ખેલાડીઓની હરાજી થશે. આવતા વર્ષથી બે નવી ટીમો ઉમેરાશે. નવી ટીમો માટે બોર્ડ ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડશે.

નિયમ મુજબ તમામ ફ્રેન્ચાઇઝી ત્રણ ખેલાડીઓ રિટેન કરી શકશે, એટલે કે જાળવી રાખશે. આ સિવાય આરટીએમ દ્વારા બે ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. બાકીના બધા ખેલાડીઓની હરાજી થશે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ ૫ વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું છે. જેથી મોટાભાગના લોકોની તેના પર નજર રહેશે. મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્ય અંગે પણ શંકા છે. શું તે ટીમના કેપ્ટન તરીકે યથાવત રહેશે? તો બીજી તરફ આરસીબીની ટીમ વિરાટ કોહલીને કેપ્ટન તરીકે જાળવી શકશે.

આગામી સિઝનથી બે ટીમ વધશે. પરિણામે ટીમોની સંખ્યા ૮ને બદલે ૧૦ થશે. જેને લઈને મેચની સંખ્યા પણ વધશે. જોકે, ટીમ વધવાની સાથે ટૂર્નામેન્ટનું ફોર્મેટ શું હશે? તેની બીસીસીઆઈએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી. અત્યારે જે રીતે રાઉન્ડ થાય છે, તેમ અને ટીમોને બે ગ્રુપમાં વહેંચીને ફોર્મેટ તૈયાર થઈ શકે છે. આ સિઝનમાં ૭૬થી ૯૪ મેચ રમાઈ શકે છે. આ માટે બીસીસીઆઈને મોટા વિંડોની જરૂર પડશે. આવતા વર્ષે ટી -૨૦ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે, ત્યારે ખેલાડીઓનું વર્કલોડ પણ વધશે.

(4:11 pm IST)