ખેલ-જગત
News of Thursday, 2nd February 2023

ફૂટબોલમાંથી લિયોનેલ મેસ્સીની નિવૃત્તીનાં સંકેત

આર્જેન્ટિનાએ મેસ્સીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીત્યો હતો : મારી મહત્વાકાંક્ષા અનુરૃપ મેં સમસ્ત મેળવી લીધુ છે તેથી હવે વધુ કોઈપણ ચાહના રહી નથી : મેસ્સી

બ્યૂનોસ એરિસ, તા.૨ : ફૂટબોલ જગતના સૌથી મહાન ખેલાડી તરીકે નામના પ્રાપ્ત કરેલ અને તાજેતરમાં જ ફૂટબોલ ફીફા વર્લ્ડકપ જીતવાનું સપનું સાકાર કર્યા બાદ 'ધ ગોટ' લિયોનેલ મેસ્સીએ નિવૃતિના સંકેત આપ્યા છે. જોકે તેમણે અગાઉ જ જાહેર કરી દીધુ હતું કે, કતારમાં યોજાનાર વર્લ્ડ કપ મારી કારકીર્દીનો અંતિમ વર્લ્ડ કપ હશે.

મેસ્સી જણાવ્યું કે, તેમણે પોતાના જીવનમાં બધુ જ મેળવ્યુ છે. મારી મહત્વાકાંક્ષા અનુરૃપ મેં સમસ્ત મેળવી લીધુ છે તેથી હવે વધુ કોઈ ચાહના રહી નથી. જોકે, તેમના તરફથી આધિકારીક રીતે ખુલીને કઈ કહેવામાં નથી આવ્યુ પરંતુ લાગી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં નિવૃતિનું એલાન કરી શકે છે. મેસ્સીની કેપ્ટનસી હેઠળ આર્જેન્ટિનાએ ગયા વર્ષે કતારમાં રમાયેલા વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

આર્જેન્ટિનાના કેપ્ટને કહ્યું કે, હું સમાપ્તીના સમય તરફ આગળ વધી રહ્યો છું. મારી કારકિર્દીનો સુખદ અંત નજીક જણાય છે. નેશનલ ટીમ સાથે મેં જે પણ સપનું જોયું હતું તે બધું મેં પૂરું કર્યું છે. મેં મારી કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે. અંગત રીતે મારે મારી કારકિર્દીનો અંત અલગ રીતે લાવવો હતો અને તે સપનું સાકાર થયું છે.

મેસ્સીએ વધુમાં કહ્યું કે, જ્યારે મેં રમવાનું શરૃ કર્યું ત્યારે મેં વિચાર્યું ન હતું કે, મારા જીવનમાં મને આટલુ બધું પ્રાપ્ત થશે. અહીં સુધી આવવું એક શ્રેષ્ઠ સફર રહી છે. હવે હું કંઈપણ માંગી ન શકુ અને મને કોઈ ફરિયાદ પણ નથી. અમે ૨૦૨૧માં કોપા અમેરિકા જીત્યા અને બાદમાં વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. હવે હાંસલ કરવા માટે કંઈ બાકી નથી રહ્યું.

કતાર વર્લ્ડ કપ જીત્યા બાદ મેસ્સીએ કહ્યું હતું કે, તે આગામી વર્લ્ડ કપમાં રમવા માટે નહીં આવે. જોકે આર્જેન્ટિનાના કોચે વર્લ્ડ કપ જીત્યા બાદ કહ્યું હતું કે મેસ્સી માટે રાષ્ટ્રીય ટીમના દરવાજા હંમેશા માટે ખુલ્લા રહેશે.

આગામી ફૂટબોલ વર્લ્ડ કપમાં હજુ ઘણો સમય બાકી છે. તે વર્ષ ૨૦૨૬માં યોજાવાનો છે. હવે જોવાનું રહેશે કે મેસ્સી શું નિર્ણય લે છે. જોકે, તેમના તરફથી નિવૃત્તિ અંગેની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ સંકેત ચોક્કસ મળી ગયા છે.

 

(7:23 pm IST)