સુમો પ્લેયર સાથે ટકકર લેતો જોકોવિચ
ટેનિસ જગતમાં નોવાક જોકોવિચનું નામ પ્રથમ શ્રેણીના રમતવીરોમાં લેવામાં આવે છે. આ મહાન પ્લેયરના અનેક સારપના કિસ્સાઓ પહેલાં પણ જોવા મળ્યા છે. હાલમાં આ પ્લેયરની મસ્તીનો વિડિયો સામે આવ્યો છે જેમાં તે કદાવર સુમો પ્લેયર સામે ફાઈટ કરતો જોવા મળી રહ્યો છે. જોકે આ સાંકડી કદકાઠીવાળો પ્લેયર સુમો પહેલવાન સામે કઈ રીતે ટકી શકયો હશે એ વિચારવા જેવું છે. વાસ્તવમાં જોકોવિચ જપાન ઓપનમાં ભાગ લેવા માટે જપાન ગયો છે, જયાં તેણે ટોકયોની એક રેસ્ટોરાંની મુલાકાત લીધી હતી. આ રેસ્ટોરાંમાં ડોહયો નામનો સુમો પણ છે જેની સામે તે રિંગમાં ઊતર્યો હતો. સુમો સાથે બે-બે હાથ કર્યા બાદ જોકેવિચે કહ્યું પણ હતું કે તે નાનો હતો ત્યારે સુમોથી ઘણો પ્રભાવિત થતો હતો. તેણે મશ્કરી કરતાં એવો પણ દાવો કર્યો હતો કે જો તેનું વજન થોડું વધારે હોત તો વધારે સારી રીતે સુમો સામે લડી શકયો હોત. સુમો રેસલિંગ જપાનની ખૂબ પ્રસિદ્ઘ રમત છે.