ખેલ-જગત
News of Saturday, 1st August 2020

રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટેની પસંદગી સમિતિની ઘોષણા વીરેન્દ્ર સહેવાગ અને હોકી કેપ્ટ્ન સરદારસિંહનો સમાવેશ

સમિતિમાં મોનાલીસા બરુઆ મહેતા ,દીપા મલિક,વેંક્ટેશન દેવરાજન સહિતનો સમાવેશ કરાયો

નવી દિલ્હી : રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કારો-2020 માટેની પસંદગી સમિતિની ઘોષણા કરી હતી. જેમાં પૂર્વ  ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને પૂર્વ હોકી કેપ્ટન સરદાર સિંહને સામેલ કરાયા છે રમત મંત્રાલય મુજબ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મુકુંદકમ શર્મા સમિતિના અધ્યક્ષ રહેશે.

સમિતિના સભ્યોમાં સેહવાગ (ક્રિકેટ), સરદાર (હોકી), મોનાલિસા બરુઆ મહેતા (ટેબલ ટેનિસ), દીપા મલિક (પેરા એથ્લેટિક્સ) અને વેંકટેસન દેવરાજન (બોક્સીંગ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રમત ગમતના કમેંટેટર્સ મનીષ બટાવિયા, રમત પત્રકાર આલોક સિંહા અને નીરુ ભાટિયાને પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રમત મંત્રાલયના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન, રમત વિભાગના જોઇન્ટ સેક્રેટરી એલ.એસ.સિંઘ અને ટારગેટ ઓલિમ્પિક પોડિયમ યોજનાના સીઇઓ રાજેશ રાજાગોપાલન સમિતિમાં હશે.

દ્રોણાચાર્ય એવોર્ડ માટે અધ્યક્ષ બે વધારાના સભ્યોનો સમાવેશ કરી શકે છે. જેમને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હોય. આ સમિતિ રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય એવોર્ડ, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ, રાષ્ટ્રીય રમત પ્રોત્સાહન એવોર્ડ અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીના વિજેતાઓની પસંદગી કરશે.

આ એવોર્ડ 29 ઓગસ્ટે સુપ્રસિદ્ધ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ પર સ્પોર્ટ્સ દિવસના ઉપલક્ષ્યમાં આપવામાં આવે છે.

(12:27 am IST)