Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

નજમ સેઠીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ફટકારી લીગલ નોટીસ

ભૂતપૂર્વ અધ્યક્ષે પોતાના કાર્યકાળ દરમિયાન ૭ કરોડ રૂપિયાના વ્યકિતગત ખર્ચના દાવાને ખોટો ગણાવ્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન નજમ સેઠીએ તેમના કાર્યકાળ દરમિયાન તેમના વ્યકિતગત ખર્ચાનું લિસ્ટ જાહેર કરવા બદલ બોર્ડ પાસે માફીનામુ માગ્યુ છે. એક જાણીતી ક્રિકેટ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે પોતાના વકીલની મદદથી નજમ શેઠીએ બોર્ડના ચેરમેન એહસાન મનીને ત્રણ પાનાની લીગલ નોટીસ મોકલાવીને માનહાનીનો દાવો કર્યો છે. ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિનીંગ કેપ્ટન ઈમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા બાદ અને સેઠીના રાજીનામા બાદ બોર્ડ પોતાના દરેક ડિપાર્ટમેન્ટનું ઓડીટ કરાવી રહ્યું છે. ઈમરાન ખાન સાથે સેઠીના સંબંધ સારા નહોતા. નવા મેનેજમેન્ટ માટે પોતાના જૂના અધિકારીઓની વ્યકિગત વિગતો જાહેર થાય એ કોઈ નવી બાબત નથી. જો કે સામાન્ય રીતે આ વિગતો મીડીયામાં લીક થાય એના કારણે આવુ થાય છે. આ વખતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના દરેક ખર્ચની વિગતો પોતાની વેબસાઈટ પર જાહેર કરી છે. સેઠી ત્રણ વર્ષ કાર્યકારી સમિતિના પ્રમુખ હતા અને ગયા વર્ષે ઓગષ્ટમાં શહરયાર ખાનની વિદાય પછી તે પાકિસ્તાન ક્રિકેડ બોર્ડના ચેરમેન બન્યા હતા. બોર્ડના કહેવા પ્રમાણે આ દરમિયાન સેઠીએ ચેરમેન તરીકે ૭ કરોડ પાકિસ્તાન રૂપિયા કરતા વધુ ખર્ચ કર્યો છે. આ બાબતે સેઠી તરફથી મોકલવામાં આવેલી નોટીસમાં કહેવામાં આવ્યુ છે કે આવી ખોટી વિગતો જાહેર કરવાનું કોઈ પ્રોફેશ્નલ કારણ નથી, આ ઈમરાનના આદેશના આધારે સેઠીને બદનામ કરવાનુ કાવતરૂ છે. એવામાં એહસાન મની અને બોર્ડને સેઠીની માફી માગવા અને વેબસાઈટ પર જાહેર કરેલી વિગતો હટાવવાનું કહેવામાં આવે છે. જો તમે એવુ નહી કરો તો માનહાની કાયદા - ૨૦૦૨ અંતર્ગત જરૂરી કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.(૩૭.૮)

(4:27 pm IST)