Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

૨૦૦૬ બાદ ભારત ઘરઆંગણે સિરીઝ હાર્યુ નથી

કાલે અંતિમ મુકાબલો : ટીમ ઈન્ડિયા સિરીઝમાં ૨-૧થી આગળ : વિરાટે ત્રણ સદીની મદદથી સિરીઝમાં ૪૨૦ રન અને રોહિત બે સદી સાથે ૩૨૬ રને બીજા ક્રમે

મુંબઇ,તા.૩૧ : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની વન ડે શ્રેણીનો અંતિમ મુકાબલો  આવતીકાલે ગુરૂવારે તિરૂવનંતપુરમમાં રમાશે. શ્રેણીમાં ભારત ૨-૧થી આગળ છે. જો ટીમ આ મેચ જીતી જાય છે તો ઘરેલુ મેદાન પર સતત છઠ્ઠી શ્રેણી પર કબજો કરી લેશે. શ્રેણીની ત્રીજી વન ડે ટાઇ રહી હતી. ટીમ જો આ મુકાબલો હારી જાય છે તો શ્રેણી ૨-૨થી બરાબર થઇ જશે.

ભારતીય ટીમ ગત ત્રણ વર્ષથી ઘરમાં કોઇ વન ડે શ્રેણી હાર્યું નથી. અંતિમ વખત તેને દક્ષિણ આફ્રિકાએ ૨૦૧૫માં વન ડે શ્રેણીમાં ૩-૨થી હરાવ્યું હતું. વિન્ડીઝ ભારતીય જમીન પર સાત વર્ષ બાદ પાંચ મેચની શ્રેણી રમી રહ્યું છે. અંતિમ વખત બન્ને ટીમો વચ્ચે પાંચ મેચની શ્રેણી ૨૦૧૧માં રમાઇ હતી, ત્યારે ટીમ ઇન્ડિયાએ સિરીઝ ૪-૧થી જીતી હતી.તે બાદ બન્ને વચ્ચે ત્રણ મેચની ૨ સિરીઝ રમાઇ હતી. બન્નેમાં ભારત ૨-૧થી વિજયી બન્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ ૨૦૦૬ બાદ ભારતમાં કોઇ શ્રેણી જીતી શક્યુ નથી, જ્યારે ભારતે ગત વર્ષે વિન્ડીઝને તેની ધરતી પર ૩-૧થી હરાવ્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેણીમાં અત્યાર સુધી ત્રણ સદીની મદદથી સૌથી વધુ ૪૨૦ રન બનાવ્યા છે, તેની એવરેજ ૧૪૦ અને સ્ટ્રાઇક રેટ ૧૧૩નો છે. ઓપનર રોહિત શર્માએ ૨ સદીની મદદથી ૩૨૬ રન બનાવ્યા છે, તે સૌથી વધુ રન મામલે બીજા નંબર પર છે.

વેસ્ટ ઇન્ડીઝના હેટમેયરે એક સદી અને એક અડધી સદીની મદદથી ૨૫૦ રન બનાવ્યા છે. તે સૌથી વધુ રન બનાવવા મામલે ત્રીજા નંબર પર છે. વિન્ડીઝના ર્સાઇ હોપ (૨૫૦) ચોથા અને અંબાતી રાયુડૂ (૨૧૭ રન) પાંચમા નંબર પર છે, આ સિવાય કોઇ પણ બેટ્સમેન ૨૦૦ રનનો આંકડો પાર કરી શક્યો નથી.

૪૫,૦૦૦થી વધુની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં મુકાબલા પહેલા તમામ ટિકિટ વેચાઇ જશે. લગભગ ૩ કરોડ રૂપિયાની ટિકિટ વેચાઇ ચુકી છે.(૩૭.૮)

(4:25 pm IST)