Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

મલેશિયા સામે હારી ભારતીય પુરુષ હોકી ટીમ

નવી દિલ્હી:એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમને સેમિ ફાઇનલમાં મલેશિયા સામેની હાર સાથે ગોલ્ડ મેડલ ગુમાવવો પડયો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત છેક છેલ્લે સુધી ૨-૧થી આગળ હતુ. જોકે આખરી બે મિનિટ બાકી હતી, ત્યારે મલેશિયાએ ગોલ ફટકારીને સ્કોરને ૨-૨થી બરોબરી પર લાવી દીધો હતો. આ પછી પેનલ્ટી શૂટઆઉટમા ભારતને ૬-૭થી આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો. હવે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો ખેલાશે. બીજી સેમિ ફાઈનલમાં પાકિસ્તાનને ૦-૧થી જાપાને હરાવ્યું હતુ. મલેશિયાએ આઠ વર્ષ અગાઉ ગ્વાંગઝૂ એશિયાડમા મેન્સ હોકીની સેમિ ફાઈનલમાં ભારતને હરાવ્યું હતુ. ભારતીય ખેલાડીઓએ ગોલ ફટકારવાની ગોલ્ડન તકો ગુમાવી હતી. મેચની ૩૩મી મિનિટે હરમનપ્રિતના ગોલથી ભારતને સરસાઈ મળી હતી. જોકે ૩૯મી મિનિટે ફૈઝલ સારીએ મેચને બરોબરી પર લાવી દીધી હતી. આ પછી વરૃણ કુમારે ૪૦મી મિનિટે સરસાઈ અપાવી હતી, પણ મેચ પુરી થવાની બે મિનિટ બાકી હતી, ત્યારે મુહમ્મદ રાઝીના ગોલને સહારે મલેશિયાએ બરોબરી મેળવતા મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ખેંચી હતી, જેમાં સડન ડેથમાં નિર્ણય લેવો પડયો હતો. 

(5:24 pm IST)