Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

એશિયન કપની ફાઇનલમાં જગ્યા બનાવી કતારે: સેમી ફાઇનલમાં યુએઈને 4-0થી આપી માત

નવી દિલ્હી: કતારે યજમાન યુએઈને એશિયન કપની સેમિફાઇનલમાં ૪-૦થી કચડી નાખી પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જોકે, આ મેચ કતારની જીતથી વધુ ઘરેલુ પ્રશંસકોના આપત્તિજનક વ્યવહારને કારણે ચર્ચામાં રહી હતી. પોતાની ટીમની હારથી હતાશ થયેલા યુએઈના પ્રશંસકોએ મેચ વખતે વિરોધી ખેલાડીઓ પર જૂતાં ફેંક્યા હતા.મેચ અગાઉ બંને ટીમો રાષ્ટ્રગીત માટે મેદાન પર ઊતરી ત્યારે જ વિવાદની શરૂઆત થઈ હતી. જ્યારે કતારનું રાષ્ટ્રગીત શરૂ થયું ત્યારે ઘરેલુ પ્રશંસકોએ હુટિંગ શરૂ કરી હતી. જોકે, તે વખતે કતારના ખેલાડીઓએ આ મામલે ખાસ ધ્યાન આપ્યું નહોતું. કતાર તરફથી મેચની ૨૨મી મિનિટે બોઉલેમ ખોઉખીએ ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. અહીં સુધી મેદાન પર શાંતિ હતી પરંતુ ૩૭મી મિનિટે અલીએ કતાર માટે બીજો ગોલ કરતાં ઘરેલુ ફેન્સ ગુસ્સે ભરાયા હતા. અલી ગોલ સેલિબ્રેટ કરી રહ્યો હતો ત્યારે યુએઈના પ્રશંસકે તેના પર પાણીની બોટલો અને જૂતાં ફેંક્યા હતા. તે પછી અલીને રોકી દેવાયો હતો. કતાર માટે ત્રીજો ગોલ કરનાર હસન પર પણ બોટલો ફેંકાઈ હતી. જોકે, કતારની ટીમે હિંમત હારી નહોતી અને હામિદ ઇસ્માઇલે ટીમ માટે ચોથો ગોલ કરી જીત નિશ્ચિત કરી હતી. કતારે ૪-૦થી મેચ જીતી ત્યારે પરિસ્થિતિ વણસતી જોઈ કતારને જશ્ન મનાવવાની તક પણ આપી નહોતી અને અધિકારીઓ તેઓને સીધા ડ્રેસિંગ રૂમમાં લઈ ગયા હતા.એક ફેબ્રુઆરીએ યોજાનાર ફાઇનલમાં કતારનો સામનો ચાર વખતની એશિયન ચેમ્પિયન જાપાન સામે થશે. જાપાન ૨૦૧૧ બાદ પ્રથમ વાર ફાઇનલમાં પહોંચી છે. જાપાને સેમિફાઇનલમાં ઈરાનને ૩-૦થી પરાજય આપ્યો હતો.

 

(6:00 pm IST)