Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

મુંબઈના ૧૩ વર્ષના ટાબરીયાએ તોડ્યા બધા રેકોર્ડઃ એક ઈનિંગમાં કર્યા ૧૦૪૫ રન

૫૧૫ બોલ, ૬૭ છગ્ગા અને ૧૪૯ ચોગ્ગા ફટકાર્યા

 મુંબઈઃ અહીંની એક સ્કૂલમાં ભણતો નાની ઉંમરનો ક્રિકેટર તનિષ્ક ગવતે સુરખીઓમાં છવાઇ ગયો છે. ૧૩ વર્ષના આ ક્રિકેટરે ૧૦૪૫ રનની ઇનિંગ્સ રમી છે. સ્કૂલોની ટીમો વચ્ચે રમવામાં આવેલી અંડર-૧૪ નવી મુંબઈ આમંત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં તનિષ્કે આ અદ્બુત અને અવિશ્વસનીય ઇનિંગ્સ રમી હતી.

 તનિષ્કની આ જબરદસ્ત બેટિંગે પ્રણવ ધનાવડેની એ ઇનિંગ્સની યાદ અપાવી દીધી, જયારે તેણે બે વર્ષ પહેલા એક ઇનિંગ્સમાં ૧૦૦૯ રન બનાવ્યા હતા. ધનાવડેએ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ ભંડારી કપમાં આ પરાક્રમ કર્યું હતું.

તે સમયે પ્રણવ ધનાવડેએ સ્કૂલ ક્રિકેટમાં આવી જબરદસ્ત ઇનિંગ્સ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે આર્થર કોલિન્સના રેકોર્ડને તોડ્યો હતો, જેણે ૧૮૯૯માં ૬૨૮ રનની ઇનિંગ્સ રમી હતી. જો આ એક ઓફિશિયલ મેચ હોત, તો તનિષ્કના ૧૦૪૫ રનોની આ ઇનિંગ્સ પણ નવા વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધાઇ હોત.

૫૧૫ બોલમાં ૬૭ છગ્ગા અને ૧૪૯ ચોગ્ગા ફટકાર્યા.

 તનિષ્ક નવી મુંબઈના કોપર ખૈરાનેમાં આવેલા યશવંતરાય ચવ્હાણ ઇંગ્લિશ સ્કૂલ તરફથી આ બે દિવસીય મેચ રમ્યો હતો.

 પોતાની ઇનિંગ્સ દરમિયાન તેણે ૫૧૫ બોલનો સામનો કરીને ૬૭ છગ્ગા અને ૧૪૯ ચોગ્ગા ફટકાર્યા હતા.

તનિષ્કે સોમવાર અને મંગળવારની બે દિવસીય મેચમાં આ સ્કોર કર્યો હતો. પહેલા દિવસે ૪૧૦ રન કર્યા હતા. તેણે રમેલી આ શાનદાર ઇનિંગ્સ સાથે તેની ટીમે ૧૩૨૪ રન બનાવ્યા. તનિષ્ક આઠમા ધોરણનો વિદ્યાર્થી છે.

(4:08 pm IST)