Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

હવે ટેસ્ટ મેચ ૪ દિવસના ! ચેમ્પિયન્સ ટ્રોફીના મેચો પણ ૪ દિ'ના હશે?

આઈસીસી ૧૪૨ વર્ષનો ઈતિહાસ બદલશે : નવો નિયમ લાવી પાંચના બદલે ચાર દિવસનો ટેસ્ટ મેચ રમાડાશે : આગામી વર્ષે આઈસીસીની બેઠક મળનાર છે તેમાં ચર્ચા થશે : દિવસ દરમિયાન ૯૦ના બદલે ૯૮ ઓવર ફેંકાશે

નવી દિલ્હી, તા. ૩૦ : એક સમય એવો હતો જયારે ટેસ્ટ ક્રિકેટના મેચો મોટાભાગે ડ્રો થતાં હતાં. પાંચ દિવસ સુધી ચાલતા આ ટેસ્ટનું પરિણામ આવતુ નહિં પરંતુ હવે સમય બદલાયો છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં લગભગ મેચોમાં પરિણામ આવી જાય છે. બહુ ઓછા એવા મેચો હશે જે ડ્રો સાથે પૂર્ણ થાય છે. હવે તો પાંચ દિવસ પહેલા જ ટેસ્ટ મેચ પૂર્ણ થઈ જતા હોય છે. બદલાતા ટ્રેન્ડના પરિણામે આઈસીસી હવે  પાંચ દિવસના બદલે ચાર દિવસના ટેસ્ટ મેચ કરવાની વિચારણા કરી રહી છે.

આગામી વર્ષે આઈસીસીની બેઠક મળવાની છે. જેમાં ટેસ્ટ ક્રિકેટને પાંચ દિવસના બદલે ચાર દિવસ રાખવામાં આવે તેવી વિચારણા કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ આગામી ૨૦૨૩માં રમાનાર ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત રમાનાર ટેસ્ટ મેચો પાંચ દિવસના બદલે ચાર દિવસના પણ થઈ શકે છે. આ પ્રસ્તાવને દુનિયાભરના અનેક ક્રિકેટરો વિરોધ કરી શકે છે.

જો ટેસ્ટ મેચ ક્રિકેટ ચાર દિવસના થઈ જાય તો ૨૦૧૫થી લઈ ૨૦૨૩ સુધીની ક્રિકેટની સાયકલ મુજબ ઘણા ફેરફારો કરવા પડે. જો ચાર દિવસના ટેસ્ટ મેચો રમાડવામાં આવે તો દિવસ દરમિયાન ૯૦ ઓવરના બદલે ૯૮ ઓવર રમાડવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે ૨૦૧૮થી અત્યાર સુધીમાં ૬૦ ટકા મેચો ચાર દિવસમાં જ પૂર્ણ થઈ ગયા છે અને તેના કારણે જ આઈસીસી આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે.

આઈસીસીએ બે વર્ષ પહેલા ૨૦૧૭માં ચાર દિવસીય ટેસ્ટ મેચ રમાડવાની મંજુરી આપી હતી. આ ટેસ્ટ મેચ સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ રમાયો હતો. જો કે આ મેચ બે દિવસમાં જ પૂર્ણ થઈ ગયો હતો અને આફ્રિકાએ મેચ એક ઈનિંગ અને ૧૨૦ રને જીતી લીધી હતી.

(4:14 pm IST)