Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ભારતને ફટકો : પૃથ્વી પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં

ઓસ્ટ્રેલિયા ઈલેવન સામેની મેચમાં ઘાયલ : ઓપનિંગમાં ભારતીય ટીમને મોટી સમસ્યા નડી શકશે

નવી દિલ્હી,તા. ૩૦ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાય તે પહેલા જ ભારતીય ટીમને મોટો ફટકો પડી ગયો છે. સિડનીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવનની સામે ચાલી રહેલી મેચ દરમિયાન ભારતને આજે ફટકો પડ્યો હતો. યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી સાવ એક કેચ પકડતી વેળા ઘાયલ થઈ ગયો હતો. જેના પરિમામ સ્વરૂપે હવે તેને પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવવી પડે તેવી શક્યતા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આજે સવારે નિવેદન જારી કરીને કહ્યું હતું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવનની સામે સિડનીમાં ચાર દિવસીય મેચ દરમિયાન પૃથ્વી ઘાયલ થયો છે. ઈજાને લઈને રિપોર્ટ આવી ગયા છે. એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે છઠ્ઠી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તે હવે રમી શકશે નહીં. છઠ્ઠી ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા પૃથ્વી રિકવર થઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી નથી. મેદાન ઉપર પડી જવાના કારણે તેને ઈજા થઈ હતી. ભારતના ફિઝિયો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ચેકઅપ બાદ પૃથ્વીની ઈજાના સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ પૃથ્વીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. સ્ટ્રેકચર ઉપર તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. પૃથ્વી પોતાના ડાબા પગ પર કોઈપણ દબાણ લાવી શકતો નથી. પૃથ્વી ઘાયલ થઈ જતા ટેસ્ટ મેચ પહેલા ભારતીયોની મુશ્કેલીઓ વધી રહી છે. ઓપનિંગમાં મોટી સમસ્યા ઉભી થઈ છે. પૃથ્વી ટીમમાં આવ્યા બાદ એમ માનવામાં આવી રહ્યું હતું કે ઓપનિંગની સમસ્યા દુર થઈ ગઈ છે. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા પૃથ્વીએ અભ્યાસ મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે ૬૯ બોલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૬૬ રન બનાવ્યા હતા. ભારેત પ્રથમ ઈનિંગ્સમાં ૩૫૮ રન બનાવ્યા હતા. જેમાં પૃથ્વી ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને રહાણેએ અડધી સદી કરી હતી.

(7:22 pm IST)