Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

૨૦૧૮ પોર્ટુગલ જુનિયર અને કેડેટ ઓપન ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના બે ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીત્યા

નવી દિલ્હી: પોર્ટુલગના ગિમારેસ ખાતે યોજાયેલી ૨૦૧૮ પોર્ટુગલ જુનિયર અને કેડેટ ઓપન ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના બે ખેલાડીઓ માનવ ઠક્કર અને માનુષ શાહે ગોલ્ડ મેડલ જીત્યા હતા. માનવ ઠક્કકરે જુનિયર બોય્ઝ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ અને માનુષ શાહ સાથે મળી જુનિયર બોય્ઝ ડબલ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી બેડવી સિદ્ધિ મેળવી હતી. માનવના આ બે મેડલને કારણે ભારતની આ ટૂર્નામેન્ટમાં મેડલની સંખ્યા આઠ થઈ ગઈ છે જેમાં બે ગોલ્ડ ઉપરાંત બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સામેલ છે.માનવને સિંગલ્સના સેમિફાઇનલ મુકાબલામાં ભારતના સ્નેહિત સુરાવજુલા સામે જોરદાર ટક્કર મળી હતી. જોકે, સુરાવજુલાને માનવે ૪-૩ (૧૧-૮, ૬-૧૧, ૧૧-૭, ૧૧-૫, ૭-૧૧, ૬-૧૧, ૧૧-૪થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઇનલમાં ભારતના જ જીત ચંદ્રા સામે મુકાબલો હતો જેમાં ચંદ્રા સામે પણ માનવને સંઘર્ષ કરવો પડયો હતો પરંતુ માનવે ૧૧-૫, ૭-૧૧, ૧૦-૧૨, ૧૧-૮, ૯-૧૧, ૧૧-૪, ૧૧-૯થી જીત મેળવી ટાઇટલ જીત્યું હતું.ડબલ્સમાં માનવ અને માનુષની જોડીનો સામનો ભારતના જ જીત ચંદ્રા અને સ્નેહિત સુરાવજુલા સામે હતો. આ મેચ માનવ-માનુષની જોડીએ ૧૧-૭, ૧૧-૬, ૧૩-૧૫, ૭-૧૧, ૧૧-૬થી જીતી ટાઇટલ જીતી લીધું હતું.સુરતના સ્ટાર ખેલાડી માનવ ઠક્કર માટે આ અંતિમ જુનિયર ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ છે. માનવે આ સાથે આઈટીટીએફ વર્લ્ડ ર્સિકટની બોય્ઝ સિંગલ્સમાં સાત ફાઇનલ રમી ચોથું ટાઇટલ જીત્યું હતું.જુનિયર મહિલા સિંગલ્સમાં સેલેના સેલ્વાકુમારને યજમાન પોર્ટુગલની યાંગજી લુઈ અને સ્વાસ્તિકા ઘોષને ચીનની શિયાઓસે ક્વીન સામે સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડયો હતો જેને કારણે બંનેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.અન્ય ભારતીયોમાં અનુષ્કા કુટુંબલે અને માનુશ્રી પાટિલ તથા સ્વાસ્તિકા ઘો, અને પ્રાપ્તિ સેનની જોડીને ક્રમશઃ ક્વાર્ટર ફાઇનલ અને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડયો હતો.

 

(5:05 pm IST)