Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સતત ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો કાર્લસે

નવી દિલ્હી: નોર્વેના ૨૭ વર્ષીય ચેસ સુપરસ્ટાર મેગ્નસ કાર્લસને અમેરિકાના ચેલેન્જર ફાબિયાનો કારૃનાને ટાઈબ્રેકરમાં હરાવીને સતત ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતીને નવો ઈતિહાસ રચી દીધો હતો.  વર્ષ ૨૦૧૩થી વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો ખિતાબ ધરાવતા કાર્લસન અને અમેરિકન ચેલેન્જર કારૃના વચ્ચેની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપના અત્યંત રસાકસીભર્યા મુકાબલાએ છેલ્લા ત્રણ સપ્તાહથી દુનિયાભરના ચેસના ચાહકોને જડકી રાખ્યા હતા. ચેસના દિગ્ગજો વચ્ચેની ૧૨ વર્લ્ડ ચેમ્પિયનશીપ્સની મેચ ડ્રો થવાની અનોખી ઘટના બાદ ૧૩૨ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત રેપિડ ટાઈબ્રેકરથી વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાર રેપિડ ફાયર ટાઈ બ્રેકર મુકાબલામાંથી કાર્લસને શરૃઆતના ત્રણમાં વિજય મેળવતા ચેસ જગત પરની પોતાની બાદશાહત જારી રાખી હતી.કાર્લસનની જીતની સાથે છેલ્લા ૩ સપ્તાહ, ૧૫ ગેમ્સ, ૭૭૩ મુવ્સ અને ૫૧ કલાકની ચેસની વર્લ્ડ ચેમ્પિયનશીપના ઈતિહાસની અત્યંત રોમાંચક ફાઈનલનો અંત આવી ગયો હતો. કાર્લસનને જોરદાર લડત આપનારો કારૃના લેજન્ડરી ચેસ ખેલાડી બોબી ફિશર (૧૯૭૨) બાદ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનનારા સૌપ્રથમ અમેરિકન ખેલાડી તરીકેનું ગૌરવ મેળવવાથી ચૂકી ગયો હતો. વર્લ્ડ ચેમ્પિયનસીપના ૧૨ રાઉન્ડ ડ્રો થતાં બંને ખેલાડીઓ ૬-૬ના સ્કોરથી બરોબરી પર રહ્યા હતા. જોકે ચાર મેચના રેપિડ ફાયર ટાઈબ્રેકરમાં કાર્લસને શરૃઆતની ત્રણ મેચો જીતી લઈને ૩-૦થી ટાઈટલ જીતી લીધું હતુ. લંડનમાં ચાલી રહેલી ચેસની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કાર્લસન અને કારૃના વચ્ચેના હાઈવોલ્ટેજ મુકાબલાએ રમતની દુનિયામાં ભારે આકર્ષણ જમાવ્યું હતુ. જીત અને હારના ફેંસલા વિના વર્લ્ડ ચેમ્પિયનશીપના ૧૨ મુકાબલા પુરા થઈ જતાં નવો ઈતિહાસ રચાયો હતો. વર્લ્ડ ચેસના પ્રેસિડેન્ટ ઈલી મેરેન્ઝોને આ મુકાબલાને લેજન્ડરી બોક્સર મુહમ્મદ અલી અને જો ફ્રેઝર વચ્ચેની 'ફાઈટ ઓફ ધ સેન્ચ્યુરી'ની સાથે સરખાવ્યો હતો. 

(5:05 pm IST)