Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

BCCI એ ખેલરત્ન એવોર્ડ માટે રવિચંદ્રન અશ્વિન અને મિતાલી રાજને કર્યા નોમિનેટ

અર્જુન એવોર્ડ માટે શિખર ધવન, કેએલ રાહુલ અને જસપ્રિત બુમરાહના નામની ભલામણ

દેશમાં રમતગમતના પુરસ્કારોનો સમય નજીક આવી રહ્યો છે. 29 ઓગસ્ટે દેશના શ્રેષ્ઠ ખેલાડીઓ અને કોચને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ખેલ પુરસ્કારો માટેની નામાંકન પ્રક્રિયા હાલમાં શરૂ થઈ ચૂકી છે. આ સંદર્ભમાં ભારતના ક્રિકેટ બોર્ડના નિયંત્રણ હેઠળ મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ અને પુરુષ ટીમની દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ખેલ રત્ન એવોર્ડ માટે નામાંકિત કરાયા છે

આ બે સિવાય અનુભવી ઓપનર શિખર ધવન, કેએલ રાહુલ અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહના નામની અર્જુન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી છે. આ વર્ષના પુરસ્કારોનો પ્રદર્શન સમય 1 જાન્યુઆરી 2017 થી 31 ડિસેમ્બર 2020ની વચ્ચેનો છે.

  સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ ઘણી ચર્ચા બાદ બોર્ડે આ પાંચ ખેલાડીઓનાં નામ મોકલવાનો નિર્ણય કર્યો છે. મિતાલી રાજે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 22 વર્ષ પૂરા કર્યા છે. તે મહિલા વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. મિતાલી હાલમાં ભારતની ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં ટીમની કેપ્ટન છે. બીજી તરફ અશ્વિન સતત ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલરોમાંથી એક રહ્યો છે. તેણે આ વર્ષે જ ટેસ્ટમાં તેની 400 વિકેટ પૂર્ણ કરી હતી. સાથે જ 2019 થી 2021 વચ્ચે યોજાયેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ 71 વિકેટ ઝડપનાર બોલર હતો.

   રિપોર્ટમાં બીસીસીઆઈ સાથે સંકળાયેલા સૂત્રોના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે, વિગતવાર ચર્ચા બાદ સર્વોચ્ચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન માટે બોર્ડે મહિલા ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન મિતાલી રાજ અને પુરુષ ટીમના ઓલરાઉન્ડર અશ્વિનના નામની ભલામણ કરી છે. આ ઉપરાંત ફરી એકવાર શિખર ધવન અર્જુન એવોર્ડ માટે નામાંકિત થયા છે. આ એવોર્ડ માટે તેની સાથે બુમરાહ અને રાહુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

   રમતગમત અને યુવા કલ્યાણ મંત્રાલય દ્વારા પુરસ્કાર માટે આ ખેલાડીઓનું નામાંકન મોકલવાની છેલ્લી તારીખ 5 જુલાઈ છે. જે પહેલા 21 જૂન સુધીની હતી. મંત્રાલયે તેને વધારવાનો નિર્ણય લીધો હતો. ક્રિકેટ ઉપરાંત હોકી ઈન્ડિયા તરફથી ગોલકિપર પીઆર શ્રીજેશનું નામ ખેલ રત્ન માટે અને અર્જુન એવોર્ડ માટે હરમનપ્રીત સિંઘ, વંદના કટારિયા અને નવજોત કૌરને નામાંકિત કર્યા છે. તે જ સમયે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાને બદલે ઓડિશા સરકારે ખેલ રત્ન માટે દોડવીર દુતે ચંદને નામાંકિત કર્યા છે.

(1:25 pm IST)