Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

બેલ્જિયમે ઈંગ્લેન્ડ સામે વિશ્વકપમાં ૧-૦થી પ્રથમ જીત મેળવી

નવી દિલ્હી:ફિફા વિશ્વકપમાં ગ્રૂપ સ્ટેજનો રોમાંચ પૂરો થઈ ગયો. કેલિનિનગ્રાડમાં રમાયેલા ગ્રુપ-જીના અંતિમ મુકાબલામાં બેલ્જિયમે ઈંગ્લેન્ડ સામે વિશ્વકપમાં ૧-૦થી પ્રથમ જીત મેળવીને પોતાના ગ્રૂપમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું. 
એકમાત્ર ગોલ બેલ્જિયમના અદનાન જાગુગાઝે કર્યો. અગાઉથી જ નોકઆઉટમાં પોતાનું નક્કી કરી ચૂકેલા બેલ્જિયમનો મુકાબલો હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાન સામે થશે, જ્યારે પોતાના ગ્રુપમાં બીજા સ્થાન પર રહેલી ઈંગ્લેન્ડની ટીમ કોલંબિયા સામે ટકરાશે. 
પ્રથમ હાફમાં બંને ટીમોએ ઘણી ઝડપી અને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. બોલ પર કબજો જમાવવાના મામલામાં પણ બંને ટીમ બરોબરી પર રહી હતી, જ્યારે ગોલ કરવાની તકો પણ બંને ટીમને લગભગ સરખી જ મળી હતી. રેફરીની સિટી વાગતાં જ બંને ટીમના ખેલાડીઓએ એકબીજા પર આક્રમણ શરૃ કરી દીધું હતું. પ્રથમ હાફની જેમ બીજા હાફમાં પણ બંને ટીમે ઝડપી શરૃઆત કરી. રમતની ૫૧મી મિનિટે ટીલેમાન્સ તરફથી મળેલા પાસને અદનાન જાનુગાઝે 'ડી'ની અંદર ડાબા પગેથી કિક ફટકારી, જેને ઈંગ્લિશ ગોલકીપર પિકફોર્ડ તમામ કોશિશો છતાં રોકી શક્યો નહીં અને બોલ ગોલપોસ્ટમાં ચાલ્યો ગયો હતો. આ ગોલની મદદથી બેલ્જિયમે ૧-૦ની સરસાઈ મેળવી લીધી. એક ગોલથી પાછળ રહેલી ઈંગ્લેન્ડની ટીમને રમતની ૬૬મી મિનિટે સ્કોર લેવલ કરવાની તક મળી હતી, પરંતુ રશફોર્ડ બેલ્જિયમના ગોલકીપર કોર્ટોવાઇઝને ચકમો આપી શક્યો નહોતો. અંતે આ મેચ બેલ્જિયમે ૧-૦થી જીતી લીધી હતી.

(4:58 pm IST)