Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

વિશ્વકપ પહેલાથી પરિપકવ કેપ્ટન બની ગયો છે વિરાટ : કપિલ દેવ

નવીદિલ્હી,તા.૩૦ : ક્રિકેટમાં ભારતને પ્રથમ વખત વિશ્વ વિજેતા બનાવનાર કપિલ દેવે કરોડો દેશવાસિઓની આશાઓને સાથે લઈ ક્રિકેટના મક્કા પહોંચેલા વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે હાલના કેપ્ટન વિરાટ કોહલીને 'પહેલાની તુલનામાં વધુ પરિપક્વ કેપ્ટન' ગણાવતા કહ્યું કે, ટૂર્નામેન્ટમાં તેની બેટિંગ મહત્વની રહેશે. 

ઈંગ્લેન્ડમાં  શરૂ થઈ રહેલા વિશ્વ કપ પહેલા આવેલા એક નવા પુસ્તક 'વર્લ્ડ કપ વોરિયર્સ'માં ચાર વિશ્વ કપ (૧૯૭૯, ૧૯૮૩, ૧૯૮૭ અને ૧૯૯૨) રમી ચુકેલા કપિલે વિરાટની પ્રશંસા કરતા કહ્યું, 'આ મુશ્કેલ અભિયાન પર ભારતની આગેવાની માટે તેના કરતા સારૂ કોઈ ન હોઈશકે. તે ચાર વર્ષ પહેલા વધુ ઇમોશનલ હતો પરંતુ હવે પરિપક્વ થઈ ગયો છે.

તમે જોઈ શકો છો કે તે કઈ રીતે પોતાના સાથી ખેલાડીઓને સલાહ આપે છે, જે પરિપક્વતાની નિશાની છે.' કપિલે આગળ લખ્યું, 'ક્રિકેટની તેની સમજણ પણ સારી થઈ છે અને હવે તે શાનદાર કેપ્ટન છે.

વિશ્વકપમાં તેની આગેવાની અને બેટિંગ મહત્વની રહેશે. ચોક્કસપણે ટીમે પણ તેની અપેક્ષાઓ પ્રમાણે ખરૂ ઉતરવું પડશે અને તેની પાસે શાનદાર ટીમ છે.'

(3:52 pm IST)