Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

રશિયન ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન વ્લાદિમિર ક્રામનિકે પ્રોફેશનલ ચેસ જગતમાંથી કહ્યું અલવિદા

નવી દિલ્હી: રશિયાના ૪૩ વર્ષીય ગ્રાન્ડ માસ્ટર અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન વ્લાદિમિર ક્રામનિકે પ્રોફેશનલ ચેસ જગતમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય ચેસ જગતના દિગ્ગજ ખેલાડીઓમાં સ્થાન ધરાવતા ક્રામનિકે વર્ષ ૨૦૦૦માં રશિયાના લેજન્ડરી ખેલાડી ગેરી કાસ્પારોવને હરાવીને ખળભળાટ મચાવી દીધો હતો. ક્રામનિકે વર્ષ ૨૦૦૦ થી લઈને ૨૦૦૭ સુધી વર્લ્ડ ચેસ ચેમ્પિયન તરીકેનો દબદબો પ્રસ્થાપિત કર્યો હતો. તે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં ક્રામનિક એક પણ બાજી હાર્યો નહતો અને તેણે ૮.૫-૬.૫ના સ્કોરથી ગેરી કાસ્પારોવને હરાવ્યો હતો. તેણે ચેસ જગતમાં મોટાભાગની ટોચની ટુર્નામેન્ટ્સ જીતી હતી અને નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે પણ તે ફિડેના વર્લ્ડ રેન્કિંગમાં સાતમા સ્થાન પર હતો.આંતરરાષ્ટ્રીય ચેસ જગતમાં બે દાયકા જેટલી કારકિર્દી દરમિયાન ક્રામનિકે ચેસ ઓલિમ્પિયાડમાં ત્રણ ટીમ ગોલ્ડ મેડલ્સ અને ત્રણ વ્યક્તિગત મેડલ્સ જીત્યા હતા. કાસ્પારોવને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનો તાજ ધારણ કરનારા ક્રામનિકે વર્ષ ૨૦૦૪માં પીટર લેકોને હરાવીને તાજ જાળવી રાખ્યો હતો. આ પછી વર્ષ ૨૦૦૬ની યુનિફિકેશન મેચમાં ફિડે વર્લ્ડ ચેમ્પિયન વેસેલિન ટોપાલોવને હરાવીને તે ચેમ્પિયન બન્યો હતો. આ સાથે તે સૌપ્રથમ બિનવિવાદિત ચેસ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. વર્ષ ૨૦૦૭માં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં તે ભારતના લેજન્ડરી ચેસ સુપરસ્ટાર વિશ્વનાથન આનંદ સામે હારી ગયો હતો. આનંદ તે વર્લ્ડ ટાઈટલ જીત્યો હતો. જ્યારે ૨૦૦૮ની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ તેણે આનંદને પડકાર્યો હતો, પણ ત્યારે ફરી આનંદ ચેમ્પિયન બન્યો હતો. તેણે કહ્યું કે, તે ચેસમાં બાળકોને શિક્ષિત કરવાના પ્રોજ્કટ તરફ ધ્યાન આપવા માગે છે અને આ કારણે પ્રોફેશનલ ચેસ પ્લેયર તરીકે હું નિવૃત્તિ લઈ રહ્યો છું. થોડા મહિના પહેલા જ મેં આ નિર્ણય લીધો હતો. 

(6:06 pm IST)