Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ભારતના સર્વશ્રેષ્ઠ કપ્તાનમાં વિરાટ કોહલીની ગણના થાય છે: રવિ શાસ્ત્રી

નવી દિલ્હી:વિરાટ કોહલીની ગણના ભારતના સર્વશ્રેષ્ઠ સુકાનીમાં થતી હશે તેવો કોચ રવિ શાસ્ત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, 'દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી ભલે ગુમાવી હોય પરંતુ આ શ્રેણીમાં ભારતીય ટીમે લડાયક પ્રદર્શન કર્યું છે તેનો મને ગર્વ છે. જોહાનિસબર્ગ જેવી મુશ્કેલ પિચમાં વિજય મેળવવાથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ બુલંદ થઇ ગયો છે. ખાસ કરીને આ શ્રેણીમાં વિરાટ કોહલીએ કાબિલેદાદ કેપ્ટનશિપ કરી છે. તેને પોતાની ટીમના પ્રત્યેક પ્લેયર ઉપર ખૂબ જ વિશ્વાસ છે. કોહલી નીડર નિર્ણય લેવામાં માને છે અને તેની ગણના સર્વશ્રેષ્ઠ સુકાનીમાં થતી હશે તેવો વિશ્વાસ છે. '   ભારતની શ્રેણી જીતવામાં ક્યાં કચાશ રહી ગઇ અને ટીમ પસંદગી અંગે સવાલ પૂછવામાં આવતા શાસ્ત્રીએ જણાવ્યું કે, 'ડ્રો રહેલા સેશનને બાદ કરતા ત્રણેય ટેસ્ટમાં કુલ ૨૦ સેશન હતા. જેમાંથી દક્ષિણ આફ્રિકાનો ૧૧ તો ભારતનો ૯મા હાથ ઉપર રહ્યો હતો. ફક્ત નિર્ણાયક ક્ષણોમાં અમે સારો દેખાવ કરી શક્યા નહીં. પરંતુ આ નબળાઇને દૂર કરીને ભવિષ્યમાં વધુ સારો દેખાવ કરવામાં આવશે. રહી વાત ટીમ પસંદગીની તો લોકોના મતને આધારે અમે ટીમ પસંદ કરતા નથી. અમને યોગ્ય લાગે તે પ્રકારનું કોમ્બિનેશન ઉતારવામાં માનીએ છીએ. રહાણે અને રોહિતમાંથી કોને તક આપવી તેનો નિર્ણય ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો હતો. રહાણેએ ત્રીજી  ટેસ્ટમાં સારો દેખાવ કર્યો હતો તેમાં બેમત નથી. બે સ્ટાર બેટ્સમેનમાંથી કોઇ એકની પસંદગી તે ભારતીય ટીમ માટે સારી નિશાની સૂચવે છે.'

(4:50 pm IST)