Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કોલકત્તાનો નવો કેપ્ટન કોણ હશે?

હરાજી પૂરી થયા બાદ આઈપીએલની વિવિધ ટીમોએ નવા કર્ણધાર નીમવા માટે શરૂ કરી કવાયત

આઈપીએલની અગિયારમી સીઝન માટેની હરાજી પૂરી થઈ. દરેક ટીમે પોતપોતાના બજેટ પ્રમાણે સારા ખેલાડીઓ ખરીદ્યા. હવે કઈ ટીમનો કેપ્ટન કોણ બનશે એ વિશે ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલીક ટીમે તો અગાઉથી જ સ્પષ્ટતા કરી દીધી હતી, પરંતુ કેટલીક ટીમ આ મુદ્દે મૂંઝવણમાં મકાશે કે કોને કેપ્ટન બનાવવો. ચેન્નઈની ટીમે પહેલેથી જ સ્પષ્ટતા કરી હતી કે એની કેપ્ટન્સી ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જ સંભાળશે. એ જ પ્રમાણે બેંગ્લોરની કેપ્ટન્સી વિરાટ કોહલી જ કરશે. હૈદરાબાદની ટીમને પણ વધુ મુશ્કેલી નહીં પડે, કારણ કે ડેવિડ વોર્નરની કેપ્ટન્સીમાં એણે ચેમ્પિયનશિપ જીતી છે. બે વર્ષ બાદ વાપસી કરી  રહેલી રાજસ્થાનની ટીમમાં પણ ઘણા સારા ખેલાડીઓ છે. એવી આશા છે કે સ્ટીવન સ્મિથ જ રાજસ્થાનની કેપ્ટન્સી સંભાળશે. તો મુંબઈની કેપ્ટન્સી રોહિત શર્માના હાથમાં જ રહેશે.

પ્રીતી ઝિન્ટાની પંજાબની ટીમે પણ આ વખતે ઘણા મોટા ખેલાડીઓને ખરીદ્યા છે. યુવરાજ સિંહ, ક્રિસ ગેઈલ, ડેવિડ મિલર અને રવિચન્દ્ર અશ્વિન જેવા દિગ્ગજો આ ટીમ પાસે છે. યુવરાજ અથવા અશ્વિન પૈકી કોઈકની પસંદગી થશે.

કોલકત્તાની ટીમે આ વખતે ગૌતમ ગંભીરને જાળવી નહોતો રાખ્યો. ગંભીરે પણ પોતાની બોલી ન લગાડવાની વિનંતી કોલકત્તાની ટીમને કરી હતી. કોલકત્તાની ટીમ પાસે આ વખતે કોઈ મોટો ખેલાડી નથી. દિનેશ કાર્તિક, સુનીલ નારાયણ અથવા રોબિન ઉથપ્પા પૈકી કોઈને કેપ્ટન બનાવવામાં આવશે. દિલ્હીની ટીમમાં ગંભીરની વાપસી થઈ છે. કોચ રિકી પોન્ટિંગે એવું કહ્યું હતું કે ગંભીર અમારો કેપ્ટન બનશે.(૩૦.૫)

(4:15 pm IST)