Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

જાડેજા - અશ્વિન આફ્રિકામાં પોતાની બોલીંગ સ્ટાઈલ બદલશે

ટીમ ઈન્ડિયા આફ્રિકાના લાંબા પ્રવાસે રવાના : શાસ્ત્રીની શીખ રમતને એન્જોય કરજો

નવી દિલ્હી : ભારતના ટેસ્ટ વાઈસ કેપ્ટન અજિંકય રહાણેને વિશ્વાસ છે કે સિનિયર સ્પીનરો રવિચન્દ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પાંચમી જાન્યુઆરીએ સાઉથ આફ્રિકામાં શરૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં પોતાની બોલીંગ - સ્ટાઈલને બદલશે. રહાણેએ ભારપૂર્વક કહ્યું હતું કે સાઉથ આફ્રિકાની પિચો ધ્યાનમાં લેતાં તેમણે પોતાની બોલીંગની સ્ટાઈલમાં ફેરફાર કરવાની જરૂર છે.

ટેસ્ટ બોલરોના રેન્કીંગમાં જાડેજા ત્રીજા નંબર અને અશ્વિન ચોથા સ્થાને છે. ટેસ્ટના ઓલરાઉન્ડરોમાં જાડેજા બીજા ક્રમે અને અશ્વિન ચોથા સ્થાને છે.

રહાણેએ એક ચેનલને મુલાકાતમાં કહ્યું હતું કે અશ્વિન અને જાડેજા વિદેશમાં પણ સારૂ પર્ફોર્મ કરી શકે એવા છે, પરંતુ મારૂ એવું માનવુ છે કે તમે જયારે ભારતમાં રમો ત્યારે અમુક રીતે રમવુ પડે અને વિદેશી ધરતી પર બોલીંગ - સ્ટાઈલમાં થોડો ફેરફાર કરવો પડે.

રહાણેને એક મુલાકાતમાં હેડ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યું હતું કે ટીમને વિજયપથ પર લાવવામાં તેઓ બંનેનું બહુ મોટુ યોગદાન રહ્યુ છે. રવિભાઈ આસપાસ હોય ત્યારે વાતાવરણ જ બદલાઈ જાય. બધુ સકારાત્મક જ લાગવા લાગે. તેઓ હંમેશા ખેલાડીઓને કહેતા હોય છે કે આત્મવિશ્વાસ રાખજો અને પોતાની રમતને એન્જોય કરજો. જે પ્લેયર સારૂ ન રમી શકતો હોય તેને શાસ્ત્રીનો પૂરો સપોર્ટ મળે છે. તેઓએ ખેલાડીને હંમેશા પોઝીટીવ સલાહ આપે છે.

(11:28 am IST)