Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

લાંબા બ્રેક બાદ ઓસી સામે હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી

ટીમ માટે પોતાની કારકિર્દી દાવ પર લગાવી : લાંબા બ્રેક બાદ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં બોલિંગ કરીને પંડ્યાએ સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથને આઉટ કર્યો

નવી દિલ્હી, તા. ૨૯ : ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પહેલી વનડે મેચ હારી ચૂકી છે. બીજી વનડેમાં પણ તેમની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. પહેલા ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચે ૧૪૨ રનની ભાગીદારી કરી અને પછી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેનની જોડીએ બોલરોની જોરદાર ધોલાઈ કરી. આ જોડીને તોડવી મુશ્કેલ લાગી રહી હતી. ટીમ ઈન્ડિયાને આ મુશ્કેલ સમયમાંથી બહાર કાઢવા અને આ જોડીને રોકવા માટે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની કારકિર્દી પર દાવ લગાવી દીધો. જ્યારે કોઈ પણ બોલર સ્મિથ અને લાબુશેની જોડીને તોડી નહીં શક્યા તો હાર્દિક પંડ્યાએ બોલિંગ પોતાના હાથમાં લીધી, અને તેમાં તે સફળ પણ રહ્યો. મૂળે, ૨૦૧૮માં થયેલી ઈજા બાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈંગ્લેન્ડમાં તેની સર્જરી કરવામાં આવી હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે એક સમયે તો તેની પોતાની કારકિર્દી પણ ખતમ થતી હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ સર્જરી બાદ તેણે મેદાન પર વાપસી કરી. જોકે તે ત્યારથી બોલિંગ નહોતો કરતો. ત્યાં સુધી કે તેણે આઇપીએલમાં પણ બોલિંગ નહોતી કરી.

ઘણા સમયથી અનેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે હાર્દિક પંડ્યા બોલિંગ કેમ નથી કરતો. જ્યારે તે હવે ફિટ પણ છે. જોકે હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે તે ત્યારે બોલિંગ કરશે જ્યારે સમય યોગ્ય હશે. ત્યારબાદ તેણે બીજી વનડેમાં બોલિંગ કરી. મેચની ૩૬મી ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા લગભગ એક વર્ષ બાદ કરવામાં આવેલી પહેલી ઓવર હતી અને આ ઓવરમાં તેણે માત્ર ૫ રન આપ્યા. જોકે, એવું કોઈ નહોતું જાણતું કે તે બોલિંગ કરવા માંગતો હતો કે કેપ્ટન વિરાટ કોહલી નવદીપ સૈની પાસેથી કેટલીક ઓવર્સને કવર કરાવવા માંગતો હતો. પછી પંડ્યાએ ૪૨મી ઓવરમાં બોલિંગ કરી અને સ્ટિવ સ્મિથને પોતાનો શિકાર બનાવ્યો. આ ઓવરમાં તેણે ૮ રન આપ્યા. તેની બીજી ઓવરમાં પહેલા બોલ પર રવિન્દ્ર જાડેજાએ માર્નસ લાબુકેશનો કેચ છોડી દીધો. હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ સેમીફાઇનલ બાદ લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યો હતો. હાર્દિક પંડ્યાને ૨૦૧૮માં એશિયા કપમાં પાકિસ્તાનની વિરુદ્ધની મેચમાં કમરમાં ઈજા થઈ હતી.

(9:43 pm IST)