Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

આજીવિકા કમાવવા અને પિતાના માથેથી દેણુ ઉતારવા ૧૮ ગોલ્ડ, ૧ સિલ્વર, પ બ્રોન્‍ઝ મેડલ મેળવનાર બોક્સર પિતા સાથે કુલ્ફી વેચવા મજબુર

ભિવાની (હરિયાણા): એક સમયે બોક્સિંગમાં ભારતનું નામ ઉંચું કરનારા હરિયાણાના બોક્સર દિનેશ કુમાર હાલમાં લારી પર ગુલ્ફી વેચવા મજબૂર છે. દિનેશે પોતાના બોક્સિંગ કરિયરમાં ઈન્ટરનેશનલ અને નેશનલ લેવલ પર સારું પ્રદર્શન કરીને 17 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ (કુલ 23 મેડલ) પોતાના નામે કર્યા છે. બોક્સિંગમાં તેમના યોગદાન માટે તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાઈ ચૂક્યા છે. પરંતુ આજે તે આજીવિકા કમાવવા અને પિતાના માથેથી દેવું ઉતારવા માટે તે બોક્સર પિતા સાથે કુલ્ફી વેચવા માટે મજબૂર છે.

 

અકસ્માતથી ગુમાવ્યું બોક્સિંગ કરિયર

30 વર્ષીય દિનેશ કેટલાક વર્ષો પહેલા માર્ગ અકસ્માતનો શિકાર થઈ ગયા હતા. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દિનેશની સારવાર માટે પિતાને લોન લેવી પડી. ઈજા બાદ દિનેશના બોક્સિંગ કરિયરનો નિરાશાજનક અંત થઈ ગયો. લોન પહેલા તેના પિતાએ દિનેશની બોક્સિંગ ટ્રેનિંગ માટે પણ લોન લીધી હતી. પિતાની ઈચ્છા હતી કે તેમનો દીકરો ઈન્ટરનેશનલ સ્તરે બોક્સિંગમાં સફળતા મેળવે. દીકરાએ પિતાનું સપનું સાકાર કરી દીધું પરંતુ અકસ્માતના કારણે દિનેશનું બોક્સિંગ કરિયર ખતમ થઈ ગયું.

પિતાની લોન ચૂકતે કરવા કુલ્ફી વેચે છે

પરિવાર દેવાના બોજા નીચે આવી ગયો. દિનેશે ઘણીવાર સરકાર પાસે મદદ માગી કે તેને નોકરી આપવામાં આવે, જેથી તે પોતાની આજીવિકા ચલાવી શકે. પરંતુ પૂર્વ સરકાર અને હાલની વર્તમાન સરકારે કોઈ મદદ કરી નથી. આથી દિનેશ પોતાની આજીવિકા માટે અને પિતાના માથેથી દેવું ઉતારવા તેમની સાથે કુલ્ફી વેચવા મજબૂર થવું પડ્યું. દિનેશની ઈચ્છા હતી કે તેને રાજ્યમાં કોચ તરીકે નોકરી મળી જાય. જેથી તે યુવા બોક્સરને ઈન્ટરનેશનલ માટે તૈયાર કરી શકે.

દેશ માટે 17 ગોલ્ડ મેડલ જીત્યા

દિનેશ કહે છે, હું ઈન્ટરનેશન અને નેશનલ સ્તર પર રમી ચૂક્યો છું. મેં પોતાના કરિયમાં 17 ગોલ્ડ, એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મારા પિતાએ મારા માટે લોન લીધી હતી, જેથી હું ઈન્ટરનેશનલ સ્તરે બોક્સિંગ કરી શકું. હવે મારે તે લોન ચૂકવવાની છે. દેવું ચૂકવવા માટે હું પિતા સાથે કુલ્ફી વેચવા મજબૂર છું. મને પહેલાની કે હાલની સરકારથી કોઈ મદદ મળી નથી.

સરકાર પાસે કરી મદદની પોકાર

દિનેશે સરકારને પોકાર લગાવતા કહ્યું, હું સરકારને પ્રાર્થના કરું છું કે મારું દેવું ઉતારવા માટે તે મદદ કરે. હું યુવાનોને ઈન્ટરનેશનલ સ્તરે બોક્સિંગ માટે તૈયાર કરી શકું છું.

(5:21 pm IST)