Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

કેદાર જાદવ અને જાડેજા ટીમમાં : ભારત - ૧૦૨/૨

ભારત - વિન્ડીઝ ચોથો વન-ડે : વિરાટે ટોસ જીતી દાવ લીધો : હાઈસ્કોરીંગ મેચ થવાની સંભાવના : બેલ વગાડી મેચનો પ્રારંભ કરાવતો સચિન તેંડુલકર

મુંબઈ, તા. ૨૯ : મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથા વન-ડેનો પ્રારંભ થયો છે. ત્રીજા મેચમાં બે અનુભવી બોલરોને સ્થાન અપાયુ હોવા છતાં ટીમ ઈન્ડિયાના બેટીંગમાં નબળા પ્રદર્શનના લીધે હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા બે મેચમાં વિન્ડીઝના ખેલાડીઓએ કમબેક કર્યુ છે. બીજો વન-ડે ભારે રસાકસીના અંતે ટાઈમાં પરિણમ્યો હતો.

કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી દાવ લીધો છે. અનુભવી ઓપનરો રોહિત શર્મા અને શિખર ધવને સારૂ સ્ટાર્ટ આપ્યું છે. બંને વચ્ચે ૭૧ રનની પાર્ટનરશીપ થઈ હતી. બાદમાં શિખર ધવન અંગત ૩૮ રનના સ્કોરે કીમો પોલ બોલમાં કેચ આપી બેઠો હતો.

આ લખાય છે ત્યારે રોહિત શર્મા ૩૪ જયારે વિરાટ કોહલી ૧૬ રને આઉટ થયો  છે. ભારતના ૧૭ ઓવરમાં ૨ વિકેટે ૧૦૨ રન થયા છે.

આજના મેચમાં ટીમ ઈન્ડિયાએ બે ફેરફાર કર્યા છે. લોકેશ રાહુલની જગ્યાએ કેદાર જાદવ અને ચહલની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યુ છે. ટીમ આ મુજબ છે. રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), અંબાતી રાયડુ, એમ.એસ.ધોની, કેદાર જાદવ, જાડેજા, ભુવી, કુલદીપ, ખલીલ અહેમદ અને જશમીત બુમરાહ.(૩૭.૧૭)

 

(3:33 pm IST)