Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

કાલથી બીજો ટેસ્ટ : બુમરાહનો ફરી તરખાટ જોવા મળશે

વિરાટ સદી ફટકારશે તો વધુ એક રેકોર્ડ કરશે : ભારતે ૨૦૧૬માં વિન્ડીઝમાં ટેસ્ટ સિરીઝ જીતી હતી

કિંગસ્ટન, તા. ૨૯ : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી કિંગસ્ટન ખાતે શરૂ થઇ રહી છે. ભારતીય ટીમ સંપૂર્ણંપણે તૈયાર છે. પ્રથમ ટેસ્ટ મેચ ૩૧૮ રને જીતી લીધા બાદ ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતીને વિન્ડીઝ સામે વધુ એક ટેસ્ટ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

બીજી બાજુ પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ વિન્ડીઝ ઘરઆંગણે તેના દેખાવને સુધારવા માટે દબાણ હેઠળ છે. મેચ રોમાંચક બની શકે છે. પ્રથમ ટેસ્ટમાં ભારતીય બોલરો અને ખાસ કરીને જશપ્રીત બુમરાહે જોરદાર તરખાટ મચાવ્યો હતો.  

ટીમ ઇન્ડિયા વર્ષ ૨૦૦૬ બાદથી વિન્ડિઝમાં સતત ત્રણ વખત ટેસ્ટ શ્રેણી જીતી ચુકી છે. સતત ત્રણે ટેસ્ટ શ્રેણી જીતી ગયા બાદ કેરિયબિન ભૂમિ પર સતત ચોથી શ્રેણી જીતવા માટે ભારતીય ટીમ સજ્જ છે. હાલમાં જ  વનડે શ્રેણીમાં બે સદી ફટકારીને ફોર્મની સાબિતી આપી ચુકેલા વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીમાં એક સદી ફટકારશે તો દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી સ્મિથના સદીના રેકોર્ડને તોડી નાંખશે. હજુ સુધી સ્મિથ અને વિરાટ કોહલીની ૨૫-૨૫ સદી છે.

ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૬માં વેસ્ટઇન્ડિઝના મેદાન ઉપર ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી હતી.આ વખતે પણ શ્રેણી ૨-૦થી જીતવા માટેની તક રહેલી છે.  ૨૦૦૨ સુધી વેસ્ટઇન્ડિઝે પોતાના ઘરમાં જોરદાર દેખાવ જારી રાખીને ભારતીય ટીમને ક્યારે પણ ટેસ્ટ શ્રેણી જીતવાની તક આપી ન હતી પરંતુ ૨૦૦૨ બાદ ઘરઆંગણે વેસ્ટઇન્ડિઝની ટીમ પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. બંને વચ્ચે ૧૯૫૨-૫૩માં ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ હતી.

(3:22 pm IST)