Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મારા આદર્શ દ્રવિડે મને શીખવ્યુ કે ક્રિકેટની આગળ પણ જીવન છે : પૂજારા

હું કયારેય તેની નકલ કરતો નથી, અમારી ગેમમાં સીમીલરીટી છે : મને હંમેશ મદદરૂપ થયા છે

નવી દિલ્હી, તા. ૨૯ : ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય પ્લેયર ચેતેશ્વર પુજારાને રાહુલ દ્રવિડ સાથે સરખાવવામાં આવે છે. બન્ને ખેલાડીઓ વચ્ચે કેટલાક સામ્યના આધારે ક્રિકેટપ્રેમીઓ સરખામણી કરતા આવે છે, પણ ચેતેશ્વર પુજારા સરખામણી સ્વીકારતો નથી, કારણ કે તે દ્રવિડને પોતાનો આદર્શ માને છે.

ચેતેશ્વર પુજારાનું કહેવું છે કે 'મારી રાહુલ દ્રવિડ સાથે ભલે સરખામણી થતી હોય, પણ હું ક્યારેય તેમની કૉપી નથી કરતો. અમારી ગેમમાં સિમિલરિટી છે, કારણ કે હું તેમના ફેસિનેશનમાં છું. સૌરાષ્ટ્રની ટીમ સાથેના મારા અનુભવના આધારે આમ થયું છે. હું ત્યાં શીખ્યો કે માત્ર સેન્ચુરી કરવાથી કંઈ નહીં થાય, તમારે તમારી ટીમને સાથે લઈને આગળ વધવાનું હોય છે.

હા, તમે એમ કહી શકો કે મેં અર્ધજાગ્રતપણે રાહુલભાઈ પાસેથી જ્ઞાન લીધું છે, પણ તેમના પ્રભાવથી મારી વિચારપ્રક્રિયાને આકાર મળ્યો હતો. રાહુલભાઈ હંમેશાં મારા માટે આદર્શ રહેશે. સૌરાષ્ટ્રની ટીમ વતી રમતાં તેમણે મને શીખવાડયું હતું કે ક્રિકેટથી પણ અલગ જીવન કઈ રીતે જીવી શકાય.

મારા મગજમાં કોઈ પણ નાના-મોટા વિચાર હોય એના પર હું તેમની સાથે ચર્ચા કરતો અને તેઓ મને ક્લિયરિટી આપતા કે મારે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ. કાઉન્ટી ક્રિકેટમાં મેં હંમેશાં જોયું છે કે તેઓ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ કેવી રીતે અલગ રાખતા હતા. ઘણા લોકો એમ માને છે કે હું મારી ગેમમાં ઘણો ફોકસ છું. હા, એ વાત સાચી છે, પણ સાથે-સાથે મને એ પણ ખબર છે કે મારે ક્યાં અને કેવી રીતે સ્વિચ-ઑફ થવાનું છે. ખરું કહું તો મને રાહુલભાઈએ જ શીખવાડ્યું છે કે ક્રિકેટની આગળ પણ જીવન છે.'

(2:53 pm IST)